મ્યુનિસિપલ કોર્પોરેશને જુહાપુરામાં રિઝર્વ પ્લોટ પર બનેલી 44 દુકાનો તોડી પડી
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભૂ-માફિયાઓ સામે લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના થયેલા બાંધકામ તોડી પડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને,મ્યુનિસિપલ જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે કોઈની પણ શેહ શરમ રાખ્યા કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે જુહાપુરાના માથાભારે ભૂમાફિયાએ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર તાણી દીધેલી 44 પાકી દુકાનો પર મંગળવારે મનપાએ બુલડોઝર ફેરવી દીધું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને જુહાપુરાના બિલ્ડર નઝીર વોરાના ગેરકાયદે બાંધકામો સામે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે. મંગળવારે સવારથીજ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમે મક્તમપુરા જુહાપુરા ખાતેના રિઝર્વેશન પ્લોટમાં પહોંચી ગઇ હતી. ડિમોલિશન ટીમના 1 JCB મશીન, 2 દબાણ ગાડી, 2 ડમ્પર અને 20 મજૂરના કાફલાએ બાંધકામ તોડવાની કાર્યવાહી શરુ કરી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરામાં આવેલ સોનલ ચાર રસ્તા પાસે વિશાલા સરખેજ હાઇવે પરની ટી.પી. સ્ક્રીમ નં. 93/એ ( મક્તમપુરા )માં સમાવિષ્ટ રે. સર્વે નં 14પૈકી 15માંથી મંજુર થયેલા ડ્રાફ્ટ સ્ક્રીમ મુજબ ટી.પી. સ્ક્રીમના ફાયનલ પ્લોટ નં. 32માં ભળતી જગ્યામાં તથા જાહેર રસ્તામાં પરવાગી વિના નઝીર વોરાએ 44 દુકાનો ધરાવતું કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઊભુ કરી દીધુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ પશ્ચિમઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરે જણાવ્યું હતુ કે આ રિઝર્વેશન પ્લોટમાં ઊભા કરાયેલા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર 9 દુકાનો તથા ફર્સ્ટ ફલોર પર 9 દુકાનો મળીને કુલ 18 દુકાનોનું પાકું આર.સી.વાળું બાંધકામ કરી 1800 ચો. ફૂટ તથા બીજી ગ્રાઉન્ડ ફલોરની 23 દુકાનો દૂર કરીને 2100 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આમ રિઝર્વેશન પ્લોટમાં કુલ 3900 ચો. ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તથા 18.00 મીટર તથા 7.50 મીટર ટી.પી. રસ્તામાં આવતી 3 દુકાનો દૂર કરીને 500 ચો. ફૂટ ટી.પી. રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.