Western Times News

Gujarati News

બનાસકાંઠા જીલ્‍લામાં આંતરરાષ્‍ટ્રીય સદભાવના પદયાત્રા યોજાઇ

વિશ્વકલ્‍યાણના ઉદ્દેશથી અને દેશમાં ગાંધીજીના મૂલ્‍યોને ઉજાગર કરવા આ આંતરરાષ્‍ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.  -કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા

પાલનપુર, વિશ્વકલ્‍યાણ અને આંતરરાષ્‍ટ્રીય સદભાવના ઉદ્દેશથી તેમજ દેશમાં ગાંધીજીના મૂલ્‍યોને ઉજાગર કરવા કેન્‍દ્રીય જળ પરિવહન, રસાયણ અને ખાતર વિભાગના રાજયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્‍થિતીમાં બનાસકાંઠા જીલ્‍લાના ડીસા તાલુકાના ઢુવાથી સામઢી-નાઢાણીવાસ સુધી આંતરરાષ્‍ટ્રીય પદયાત્રા યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્‍યામાં લોકો સ્‍વયંભુ જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર આવતા ગામોના લોકો દ્વારા કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, મહાનુભાવો અને પદયાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્‍યું કે ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિની ઉજવણી અંતર્ગત વિશ્વકલ્‍યાણના ઉદ્દેશથી બનાસકાંઠા જીલ્‍લામાં આ આંતરરાષ્‍ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તેમણે કહ્યું કે ગાંધીજીના વિચારો અને મૂલ્‍યો થકી વિશ્વશાંતિ અને કલ્‍યાણ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાઇ રહેલ આ પદયાત્રામાં લોકો ઉત્‍સાહપૂર્વક સ્‍વયંભુ જોડાઇ રહ્યા છે. આ પદયાત્રામાં દેશ વિદેશના પદયાત્રિઓ જોડાઇ રહ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું કે સમગ્ર રાષ્‍ટ્રમાં ગાંધીજીનાં મૂલ્‍યો ઉજાગર થાય અને દેશવાસીઓમાં સદભાવના કેળવાય તે માટે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દરેક સાંસદશ્રીઓને આ પદયાત્રામાં જોડાવવા અને શાંતિનો સંદેશો સ્‍થાપવા કહ્યું છે. આ પદયાત્રા મારફત ગાંધીજીના વિચારો, મૂલ્‍યો અને જીવનચરિત્ર દેશવાસીઓ સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકાશે તેમ તેમણે જણાવ્‍યું હતું.

કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે, જીવનમાં સત્‍ય, અહિંસા અને શાંતિ જેવા આદર્શ મૂલ્‍યોને સારી રીતે જાળવીને પરિવાર, સમાજ અને દેશભરમાં સુખ-શાંતિ અને સમૃધ્‍ધિ લાવીએ. જીવનમાં પ્રગતિ અને સુખ, શાંતિ માટે મૂલ્‍યો અને શ્રેષ્‍ઠ સિધ્‍ધાંતો બહુ જરૂરી છે એમ જણાવતાં કેન્‍દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે વડીલો શ્રેષ્‍ઠ આચરણ વડે બાળકોને કે ભાવી પેઢીને વારસામાં સુખ અને શાંતિ આપી શકે છે. શિક્ષણ સાથે સારા સંસ્‍કારોથી જીવનમાં સાચુ સુખ મળે છે.

કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સુશાસનમાં વિકાસના ફળ દેશભરમાં છેવાડાના વિસ્‍તારો અને વ્‍યક્તિઓ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે ત્‍યારે દેશને ઝડપભેર વિશ્વકક્ષાએ શિક્ષીત, સમૃધ્‍ધ અને શક્તિશાળી બનાવવા આવો……., આપણે સૌ સાથે મળી રાષ્‍ટ્ર માટે સમર્પિત ભાવના કેળવી સક્રિય અને સંકલ્‍પબધ્‍ધ બનીએ.

સાંસદશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે, ગાંધીજીના આદર્શ અને મૂલ્‍યોનું જતન થાય, લોકો તેમાંથી પ્રેરણા મેળવે અને સૌમાં સદભાવના કેળવાય તે હેતુથી ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ પ્રસંગે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે કહ્યું કે જળ એ જ જીવન છે, પાણી બચાવો, વૃક્ષો વાવો અને બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્‍કારો આપીને તેમનું ઉજ્જવળ ઘડતર કરીએ.

વિશ્વ પદયાત્રીશ્રી પ્રેમકુમારે કહ્યું કે આ પદયાત્રા દ્વારા ગાંધીજીના વિચારો અને મૂલ્‍યોનો પ્રભાવ લોકો સુધી ઉજાગર કરવામાં આવશે. આ પદયાત્રામાં જોડાયેલ પાંચ દેશના લોકો ગાંધીજીના મૂલ્‍યો લોકો સુધી પહોંચાડવા પ્રયત્‍ન કરશે.

તેમણે કહ્યું કે આ પદયાત્રાથી એક ભારત નેક ભારત અને એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો મંત્ર લોકોમાં સારી રીતે ઉજાગર થશે. વિશ્વ પદયાત્રીશ્રી પ્રેમકુમારએ કહ્યું કે આપણે એકબીજાને ઓળખીએ અને દરેકમાં શાંતિ, સદભાવના કેળવાય તેવો અભિગમ કેળવી પ્રયાસો કરીએ.

પદયાત્રાનું આયોજન ફ્રેન્‍ડઝ ઓફ ઓલ અમદાવાદ અને નૂતન ભારતી સંસ્‍થા મડાણા-ગઢ તા.પાલનપુરના માધ્‍યમથી કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી કે. સી. પટેલ, અગ્રણી શ્રી દુષ્‍યંતભાઇ પંડયા, વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેનશ્રી મગનભાઇ માળી, અગ્રણીઓ સર્વશ્રી અમૃતભાઇ દવે, શ્રી ભારતસિંહ ભટેસરીયા, નૂતન ભારતી સંસ્‍થા મડાણા-ગઢના સંચાલકશ્રી કનુભાઇ વોરા, લોકનિકેતન વિનયમંદિર સંસ્‍થા ઢુવા, તા.ડીસાના ટ્રસ્ટીશ્રી શંકરભાઇ, ડીસા અને પાલનપુર પ્રાન્‍ત અધિકારીશ્રીઓ તથા વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.