Western Times News

Gujarati News

બાબરી ધ્વંસ કેસમાં અડવાણી સહિત તમામ ૩ર આરોપીઓ નિર્દોષ

લખનૌ, અયોધ્યામાં તા.૬ઠ્ઠી ડીસેમ્બર ૧૯૯રના રોજ બાબરી ધ્વસ્તની ઘટનામાં ર૮ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ આજે લખનૌમાં બનાવવામાં આવેલી ખાસ સીબીઆઈ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જાેષી સહિત તમામ ૩ર આરોપીઓને નિર્દોષ જાહેર કરતા દેશભરમાં ઉજવણી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

અયોધ્યામાં બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર બનાવવાની માંગ સાથે વર્ષોથી વિવાદ ચાલતો હતો. ૧૯૯રમાં ૬ઠ્ઠી ડીસેમ્બરના રોજ કાર સેવકો મોટી સંખ્યામાં અયોધ્યામાં ઉમટી પડયા હતાં આ સમયે ભાજપના અગ્રણીઓ અડવાણી, ઉમા ભારતી, ઋતુભંરા, કલ્યાણસિંગ, મુરલી મનોહર જાેષી સહિતના આગેવાનો હાજર હતાં. આ સમયે કાર સેવકોએ વિવાદિત ઢાંચો તોડી પાડયો હતો આ ઘટનામાં કુલ બે ફરિયાદો નોંધાઈ હતી જેમાં એક ફરિયાદ નામજાેગ નોંધાઈ હતી જેમાં કુલ ૪૯ આરોપીઓ હતાં આ કેસ હાઈકોર્ટના આદેશથી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો સીબીઆઈએ આ ઘટનાની તપાસ શરૂ કરી હતી જાેકે આ દરમિયાનમાં લિબ્રહાન કમીશને પણ તેનો રિપોર્ટ તત્કાલીન કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો.

સીબીઆઈએ લંબાણપૂર્વકની તપાસ બાદ આરોપીઓ સામે રપ૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી જેમાં ૩પ૧ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. ૧૯૯૩માં હાઈકોર્ટના આદેશ બાદ લખનૌમાં ખાસ સીબીઆઈ કોર્ટ સ્થાપવામાં આવી હતી. આ ઉપરાંત બીજીબાજુ જે તે સ્થળ પર રામમંદિર બાંધવાનો કેસ પણ ચાલતો હતો તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપી રામમંદિર બાંધવાનો માર્ગ મોકળો કરી દીધો છે અને હાલમાં આ સ્થળ પર રામમંદિર બાંધવાની કામગીરી પુરઝડપે ચાલી રહી છે.

લખનૌની સીબીઆઈ કોર્ટમાં લંબાણપૂર્વકની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આજે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ આજ પર મુલતવી રાખ્યો હતો જેના પગલે સવારથી જ લખનૌ કોર્ટની બહાર ભારે ચહલપહલ જાેવા મળતી હતી. કુલ ૪૯ આરોપીઓમાંથી હાલ ૩ર આરોપીઓ જીવતા છે અને આ તમામને કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો હતો પરંતુ ૩રમાંથી ભાજપના વરિષ્ઠ આગેવાન અડવાણી તથા મુરલી મનોહર જાેષી ઉંમરના કારણે હાજર રહયા ન હતાં જયારે ઉમા ભારતી કોરોનાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઉપરાંત નૃત્ય ગોપાલ તથા કલ્યાણસિંહ અને પ્રધાન પણ કોર્ટમાં હાજર રહયા ન હતાં.

આમ આ ૬ આગેવાનો કોર્ટમાં હાજર રહયા ન હતા જયારે બાકીના તમામ સવારથી જ કોર્ટમાં પહોંચી ગયા હતાં. સૌ પ્રથમ સીબીઆઈ કોર્ટના જજ એસ.કે. યાદવે તમામ આરોપીઓની ઓળખ કરતા અડવાણી સહિતના ૬ આગેવાનો ગેરહાજર જણાયા હતાં. જજે તાત્કાલીક આ તમામને વિડીયો કોન્ફરન્સીંગથી જાેડવાનો આદેશ આપ્યો હતો આમ તમામ જીવીત આરોપીઓ કોર્ટ કાર્યવાહી સાથે જાેડાઈ ગયા હતાં. ૧ર વાગ્યે જજ એસ.કે. યાદવે ચુકાદો આપવાની શરૂઆત કરી હતી.

સૌ પ્રથમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટના પૂર્વ આયોજીત ન હતી સમગ્ર ઘટના અચાનક જ ઘટી હતી એટલું જ નહીં પરંતુ આ સમયે ઉપસ્થિત આ તમામ આગેવાનોએ ભીડને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો આ તમામ પાસાઓ જાેતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. કોર્ટના આ ચુકાદાથી દેશભરમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે અને અનેક સ્થળે ચુકાદાને આવકારી ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

32 આરોપીના નામ

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી રીતંભરા, મહંત નૃત્ય ગોપાલદાસ, ડો.રામવિલાસ વેદાંતી, ચંપક રાય, મહંત ધર્મદાસ, સતિષ પ્રધાન, પવનકુમાર પાંડે, લલ્લુ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમર નાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લા , આર.એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.