નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
શહેર સાયબર ક્રાઈમને મળી સફળતા : ચાર શખ્સોને ઝડપી લેવાયા : ૧ નકલી માર્કશીટ કબજે : વધુ તપાસ શરૂ
(પ્રતિનિધિ) અમદાવાદ: કેટલાંક ઈસમો આર.કે યુનિવર્સીટીની બેચલર ઓફ ફાર્મસીની બનાવટી માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ બનાવી ગુજરાત ફાર્મસી કાઉન્સીલની વેબસાઈટ પર ચડાવતા હોવાનું ધ્યાને આવતા આ અંગે શહેર સાયબર ક્રાઈમમાં ફરીયાદ થઈ હતી જે અંગે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી લીધા છે.
આ અંગેની વિગત એવી છે કે અજાણ્યા શખ્સોએ શાહ મિત્સુ નિમેશકુમાર (છોટા ઉદેપુર)નું બી ફાર્મનું ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સીલનું રજીર્સ્ટડ ફાર્માસીસ્ટનું બનાવટી સર્ટીફીકેટ બનાવી તથા આર.કે. યુનિવર્સીટીના બેચલર ઓફ ફાર્મસીના બનાવટી માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફીકેટ જીએસપીસીની વેબસાઈટ પર અપલોડ કર્યા હતા જે અંગે જાણ થતાં જીએસપીસીના રજીસ્ટ્રાર જશુભાઈ ચૌધરીએ શહેર સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.
આ ઘટનાની તપાસ સાયબર સેલના પી.આઈ એમ.એન દેસાઈને સોંપવામાં આવતાં તેમણે બોગસ ડીગ્રી સર્ટીફીકેટ બનાવનાર શખ્સોની શોધ કરીને તથા ટેકનીકલ એનાલીસીસ કરીને (૧) જયમીન જયેશભાઈ પંડ્યા (અર્થ આઈકોન, વડોદરા) (ર) વિરલ અંબાલાલ જયસ્વાલ (ગોલ્ડન સીલ્વર એપાર્ટમેન્ટ, વડોદરા) (૩) મનોજ ઉર્ફે પિન્કુ મુન્નાલાલ ચૌહાણ ગજાનંદ પાર્ક, વડોદરા તથા (૪) મ્રિગાંક ઉર્ફે પોલીસ ચતુર્વેદી (અંકુર વિહાર, ઉત્તર પ્રદેશ)નાઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૪ મોબાઈલ ફોન તથા ૯ નકલી માર્કશીટ કબજે કરી હતી.
કડક પુછપરછમાં આ ચોકડી સમગ્ર ભારતની ઘણી બધી યુનિવર્સીટીઓની નકલી માર્કશીટ બનાવી વેબસાઈટમાં એન્ટ્રીઓ કરતા હોવાનું બહાર આવતા સૌ કોઈ ચોંકી ઉઠયા છે. હાલ સુધીમાં આવી કેટલી માર્કશીટ ડીગ્રીઓ બનાવીને વેચી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ ચારમાંથી જયમીન ગ્લોબલ એકેડેમી નામે તથા વિરલ કેપલોન નામે કલાસીસ ચલાવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા હતા જયારે મનોજ એક ખાનગી ફાઈનાન્સ કંપનીનો બ્રાંચ મેનેજર હતો. જયમીન પાસેથી વિદ્યાર્થીઓના નકલી માર્કશીટ બનાવવાનો હવાલો લઈ વિરલ મનોજને કામ આપતો હતો. જયારે મનોજ નકલી માર્કશીટ તૈયાર કરીને ગુજરાત રાજય ફાર્મસી કાઉન્સીલ (જીએસપીસી)ની વેબસાઈટમાં ખોટી રીતે રજીસ્ટ્રેશન મિગ્રાંક પાસે કરાવતો હતો. પોલીસે આ ચોકડી સાથે અન્ય કોઈ સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ સઘન પુછપરછ શરૂ કરી છે.