Western Times News

Gujarati News

કંપનીને ૧,૭૭૦ રૂપિયાનો ચેક ૪,૬૧,૭૭૦માં પડ્યો

પ્રતિકાત્મક

૧૭૭૦ના ચેકમાં કોઈએ આગળ ૪૬ ઉમેરી ૪૬૧૭૭૦ અન્ય એકાઉન્ટમાં ચાંગોદર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધા

અમદાવાદ: અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસસ્ટેશનમાં એક અજીબ ચિટિંગની ફરિયાદ નોંધાઈ છે. વટવા જીઆઇડીસીમાં આવેલી કંપનીએ સીએસને આપવાનો ચેક કુરિયર કર્યો હતો. જોકે લોકડાઉન દરમિયાન સીએસની ઓફિસ બંધ હોવાથી ચેક કુરિયર કર્યો હતો. જે પરત આવ્યો હતો. બાદમાં જાણ થઈ કે કંપનીએ મોકલેલા રૂ.૧૭૭૦ના ચેકમાં કોઈએ આગળ ૪૬ ઉમેરી ૪,૬૧,૭૭૦ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ચાંગોદર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધા હતા. અગાઉ આ બાબતની લીધેલી અરજીમાં હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શેલામાં રહેતા ૫૬ વર્ષીય પરેશભાઈ રાવલ વટવા જીઆઇડીસી માં કેમિકલ બનાવતી એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનું બેન્ક ખાતું લાલ બંગલા બ્રાન્ચમાં છે. ગત જૂન માસમાં એકાઉન્ટ વિભાગ સંભાળતા રાકેશભાઈ રિકન્સલેશન કરતા હતા ત્યારે તેમના ધ્યાને આવ્યું કે મે માસમાં રૂ.૧૭૭૦ નો ચેક ભર્યો હતો તે ચેકથી ૪,૬૧,૭૭૦ રૂપિયા ચાંગોદર બ્રાન્ચમાંથી ઉપાડેલા છે. આ ચેક તેમના સીએસ ને મોકલવાનો હતો પરંતુ લોકડાઉન ને કારણે તેઓની ઓફિસ બન્ધ હોવાથી જૂન માસમાં કુરિયર કર્યો હતો.

બાદમાં કંપનીના ડાયરેકટર એ ૧૭૭૦ ના ચેકથી ૪,૬૧,૭૭૦ રૂપિયા ઉપાડી લીધા હોવાની જાણ કરી હતી. જેથી માર્કેટિંગ સ્ટાફના એક વ્યક્તિને અંજની કુરિયર ઓફિસે મોકલ્યા હતા. ત્યાં હાજર વ્યક્તિએ કહ્યું કે તેમણે જે ચેક કુરિયર કર્યો હતો તે ક્યાંક ખોવાઈ ગયો હતો. કુરિયર ઓફિસમાં કામ કરતી વ્યક્તિએ કહ્યું કે ચેક મળશે એટલે જાણ કરીશ. અવાર નવાર આ બાબતે પૂછતાં હજુ કુરિયર ન જ મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં કુરિયર કંપનીની ટ્રેકિંગ સિસ્ટમ ચેક કરતા આ કુરિયર જે તે જગ્યાએ ડિલિવરી કરવા માણસ ગયો તો હતો પરંતુ ઓફિસ બન્ધ હોવાથી કુરિયર પરત ઓફિસે આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાદમાં ફરિયાદી એ આ બાબતે બેંકમાં પણ ખરાઈ કરી ત્યારે ચાંગોદર બ્રાન્ચમાં કોઈ એમ.ડી.અબુઝર નામના વ્યક્તિએ ચેકની રકમ બદલી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે નવરંગપુરા પોલીસે અગાઉ અરજી લીધી હતી અને તપાસ બાદ આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.