કેનેડાથી સાબરમતી રિવરફ્રન્ટ બે સી-પ્લેન પહોંચવાની તૈયારી
અમદાવાદ: ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન સેવાને લીલીઝંડી બતાવવાના છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન સેવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રિવરફ્રન્ટ ખાતે ફ્લોટીંગ જેટી ફીટ કર્યા બાદ ગેગ વે પણ લાવવાની તૈારીઓ શરૂ થઇ ગઇ છે. મહત્વનું છે કે, ૩૧મી ઓક્ટોબરે વડોપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી સી-પ્લેન મારફતે કેવડીયા જશે. જો કે આ સેવાના પ્રારંભ બાદ ૧૮ સીટર સી-પ્લેનની રોજની ચાર ફ્લાઇટ અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલશે. જેમાં એક ટીકિટનું ભાડું ૪૮૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
૩૧ ઓક્ટોબરથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. જે પહેલા એટલે કે ૨૦ ઓક્ટોબર સુધીમાં ૧૮ સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઈટમાં બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર હશે,
જે ૬ મહિના અહીંયા રોકાશે અને ભારતીય પાઈલટ-ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે. સી પ્લેનના માધ્યમથી સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું ૨૨૦ કિમીનું અંતર માત્ર ૪૫ મિનિટમાં કપાશે. સી પ્લેન પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કહ્યું કે, એરલાઈન્સે હાલ બે વિમાન લીઝ પર માગ્યા છે. ૧૮ સીટર વિમાનમાં એક સાથે ૧૪ પેસેન્જરો સવારે ૮ વાગ્યાથી મુસાફરી કરી શકશે. હાલમાં આ વિમાન નોન શિડ્યુલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે અને જો પેસેન્જર્સનો સારો રિસ્પોન્સ મળશે તો એક વર્ષ બાદ તમામ ફ્લાઈટ શિડ્યુલ કરાશે.