બાપુનગરઃ શિષ્યવૃત્તિનાં નામે લોકોને ઠગતાં બે ગઠીયા ઝડપાયા
હાલ સુધીમાં ૮૦૦ જેટલાં નાગરીકો પાસેથી રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું !
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં છાશવારે નવાં નવાં કિમીયા અજમાવીન નાગરીકો પાસેથી નાણાં પડાવતાં ગઠીયા પકડાય છે. તેમાં વધુ એકનો વધારો થયો છે. સરકારી શિષ્યવૃત્તિ અપાવવાની લાલચ આપી ફોર્મ ભરવાનાં બહાને વિદ્યાર્થી-વાલીઓ પાસેથી ૧૦૦ રૂપિયા પડાવતાં એક ગઠીયા વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે અઝહરભાઈ રાઠોડ રખીયાલ ખાતે રહે છે અને વકીલાતનો વ્યવસાય કરે છે. કેટલાંક દિવસ અગાઉ તેમને મોબાઈલ ઉપર એક પેમ્ફલેટનો ફોટો મળ્યો હતો. જેમાં ધોરણ ૧થી ૫ને ૬૦૦૦, ૬થી ૯ને ૭૦૦૦ તથા ૧૦થી ૧૨ને ૯૦૦૦ ઉપરાંત કોલેજનાં વિદ્યાર્થીને ૧૦,૦૦૦ સુધી શિષ્યવૃત્તિ મળશે.
તેવી માહિતી હતી. જેને લઈને અઝહરભાઈ તેમનાં મિત્ર સાથે શિષ્યવૃત્તિ આપનારની ભરત દેસાઈની ઓફીસ હ્યુમ વેલ્ફેર ફાઉન્ડેશન (સુમેળ-૮) ખાતે ગયા હતા અને ભરત સાથે વાત કરી સરકારી શિષ્યવૃત્તિનાં ફોર્મ ભરવાનાં રૂપિયા કેમ લો છો તેમ પૂછતાં ભરત ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. અને દાતાઓ પાસેથી રૂપિયા મળશે તો વિદ્યાર્થીઓને આપીશું. તેવી વાત કરતાં અઝહરભાઈએ શંકાસ્પદ લાગતાં બાપુનગર પોલીસને જાણ કરી હતી.
આ અંગે વાત કરતાં તપાસ કરનાર પીએસઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે, શિષ્યવૃત્તિનાં નામે ઠગાઈ કરનાર ભરત તથા અમૃતભાઈ નામનાં શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી રીસીપ્ટ બુક, ટ્રસ્ટનું સર્ટીફિકેટ વગેરે દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યાં છે. તેમણે હાલ સુધીમાં ૮૦૦ જેટલાં લોકો પાસેથી રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે. આ કામ માટે તેમણે ૫ વ્યક્તિઓને પણ નોકરીએ રાખ્યા હતા. જેમની પણ પૂછપરછ ચાલું છે.