કોરોનાનો ચેપ લાગ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને તાવ ચઢ્યો

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ Donald Trumpને ગઈકાલે કોરોનાનો ચેપ લાગ્યા બાદ હવે તેમને મિલિટરી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રમ્પને તાવ આવ્યો છે અને તેમણે થાક લાગ્યો હોવાની ફરિયાદ કરી હતી. વ્હાઈટ હાઉસમાં તેમને કોરોનાની એક્સપિરિમેન્ટલ ડ્રગનું કોમ્બિનેશન ઈન્જેક્ટ કરાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. Donald Trump અને તેમના પત્ની મેલાનિયાને ગઈકાલે કોરોના થયો હોવાનું કન્ફર્મ થયું હતું. તેઓ વ્હાઈટ હાઉસમાં જ આઈસોલેટ પણ થયાં હતાં. વ્હાઈટ હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તકેદારીના ભાગરુપેDonald Trumpને વૉલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં એડમિટ કરાયા છે.
તેઓ હોસ્પિટલના પ્રેસિડેન્શિયલ સ્યૂટમાંથી પોતાનું કામ ચાલુ રાખશે, અને તેના માટેની તમામ સવલતો ત્યાં ઉભી કરવામાં આવી છે. અમેરિકાના સ્થાનિક સમય અનુસાર, શુક્રવારે સાંજે ટ્રમ્પ માસ્ક પહેરીને વ્હાઈટ હાઉસની બહાર આવ્યા હતા. તેઓ ત્યાં હાજર પત્રકારોનું અભિવાદન કરીને પોતાના સત્તાવાર હેલિકોપ્ટર મરિન વનમાં સવાર થઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે જોકે તેમણે પત્રકારોને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.Donald Trump હેલિકોપ્ટરમાં રવાના થયા તે વખતે એરક્રૂ, સિક્રેટ સર્વિસ એજન્ટ્સ અને વ્હાઈટ હાઉસનો સ્ટાફ પણ માસ્કમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલ જતા પહેલા ટ્રમ્પે એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે,
પરંતુ સારવાર યોગ્ય રીતે થઈ શકે તે માટે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની સાથે કામ કરતા એક વ્યક્તિને કોરોના થયા બાદ Donald Trumpનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે રાત્રે એક વાગ્યે તેમણે પોતે અને મેલાનિયાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણકારી આપી હતી. મહિનાઓ સુધી કોરોનાને ગંભીરતાથી ના લેનારા ટ્રમ્પે ખાસ્સા સમય સુધી તો માસ્ક પહેરવાનું પણ ટાળ્યું હતું. અમેરિકામાં દુનિયાના સૌથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે અને અત્યાર સુધી ૨,૦૫,૦૦૦થી વધુ મોત થયા છે. ટ્રમ્પે કોરોનાની સ્થિતિને યોગ્ય રીતે મેનેજ ના કરી હોવાના આરોપ પણ તેમના પર મૂકાઈ રહ્યા છે. હવે દેશમાં ચૂંટણી સાવ નજીક આવી ગઈ છે ત્યારે કોરોનાને કારણે ટ્ર્મ્પને છેલ્લી ઘડીએ પ્રચાર રદ્દ કરવાની ફરજ પડી છે.