ટ્રમ્પને ખસેડાયા મિલટરી હોસ્પિટલમાં: રેમડિસેવિર ઈન્જેક્શન અપાઈ રહ્યા છે
વૉશિંગ્ટન, કોરોનાનુ સંક્રમણ લાગ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સારવાર માટે અમેરિકાની એક મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યા તેમને રેમડિસેવિરના ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. શુક્રવારે ટ્રમ્પ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત થતા આખી દુનિયાએ આંચકો અનુભવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પને તાવ પણ આવી રહ્યો હતો અને સતત ચૂંટણી પ્રચારના કારણે તેઓ થાક પણ અનુભવી રહ્યા હતા. એ પછી તેમને આજે અમેરિકાની વોલ્ટર રીડ મિલિટરી હોસ્પિટલમાં લઈ જવાયા છે. કોરોના થયાના 17 કલાક બાદ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાંથી નિકળીને ચાલતા-ચાલતા હેલિકોપ્ટરમાં બેસવા માટે ગયા હતા. તેમણે મોઢા પર માસ્ક પહેર્યો હતો. જોકે ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરવાનુ ટાળ્યુ હતુ.
વ્હાઈટ હાઉસના ડોક્ટરે કહ્યુ છે કે, ટ્રમ્પને હાલમાં રેમડિસેવિરના ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે.તેમનુ સ્વાસ્થ્ય સારુ છે. ટ્રમ્પની સરકારે જ ઈમરજન્સી હોય તેવી સ્થિતિમાં આ ઈન્જેક્શનના ઉપયોગને મંજૂરી આપી હતી.હવે આ ઈન્જેક્શનનો ઉપયોગ તેમના પર કરવો પડી રહ્યો છે.