પગારના ફાંફા ત્યાં “બોનસ”ની ચર્ચાઓ શરૂ
દિવાળી માથે આવીને ઊભી છે ત્યારે ટૂંકા પગારવાળા કર્મચારીઓની નજરઃ મોટી કંપનીઓ કેટલા ટકા બોનસ આપશે ?? ડ્રાયફ્રુટ-મીઠાઈના પેકેટે ઓછા જાેવા મળે તો નવાઈ નહીં
(પ્રતિનિધિ)અમદાવાદ, ૧૭મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારપછી ૧૦-૧૨ દિવસની આસપાસમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે. હાલમાં લોકડાઉન પછી અનલોક-૫માં પણ ધંધા ૨૦થી ૩૦ ટકાની આસપાસ ચાલી રહ્યાની બૂમ વેપારીઓ પાડી રહ્યા છે. તો મોટી-મોટી કંપનીઓ, નાની-નાની પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ સહિતના સ્થળોએ કામ કરતા કર્મચારીઓ મુંઝવણમાં છે. બજારમાં હજુ ઘણી જગ્યાએ પૂરા પગાર થતા નથી. ત્યારે દિવાળીમાં “બોનસ”ને લઈને કર્મચારીગણને ચિંતા સતાવી રહી છે. મોટી-મોટી કંપનીઓને પગારમાં કાપ મૂકવા પડ્યા છે. ત્યારે બોનસ કેટલા ટકા મળશે તે અંગે કર્મચારીઓ ફિકરમાં છે. બોનસ નહીં મળે તો દિવાળીની ખરીદી કઈ રીતે થશે ? કારણ કે દિવસોને જતા વાર લાગતી નથી. બજારમાં વાતાવરણ ખુલી રહ્યું છે.
પરંતુ ઓવરઓલ સ્થિતિને થાળે પડતાં સમય જઈ શકે તેમ છે. તેમ છતાં એવું કહી શકાય છે કે ભારતીય બજાર પહેલેથી અનિશ્ચિતતાઓથી ભરેલું છ. દિવાળીમાં ઘરાકી નીકળશે તેવું કહેવું મુશ્કેલ છે. આર્થિક સ્થિતિ તળીયે પહોંચી ગઈ છે અનેક મોટી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને છૂટા કરેલ છે. હજુ કેટલા કર્મચારીઓની છટણી આવશે તે કહેવું મુશ્કેલ છે. ટૂંકા પગારવાળા કર્મચારીઓે વાંધો આવી શકે તેમ નથી. પરંતુ દિવાળી પર્વ માથા પર છે. ત્યારે સ્વાભાવિક રીતે બજારમાં બોનસને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓના ત્રીજા-ચોથા વર્ગના કર્મીઓમાં પણ ગુસપુસ ચર્ચા ચાલી રહી છે
તો મોટી-મોટી કંપનીઓ તરફથી અપાતા મીઠાઈ-ડ્રાયફ્રુટના પેકેટોમાં કમી આવે તેવી શક્યતાઓ છે. જાયન્ટ કંપનીઓને પણ લોકડાઉન નડી ગયું છે. અનલોકમાં સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. પરંતુ તેને પૂર્ણપણે થાળે પડતાં સમય જશે તેમ બજાર નિષ્ણાંતો માની રહ્યાં છે. બજારમાં નાંણાની તરલતા મોટો પ્રશ્ન છે. એક વખત બજારમાં નાણાં ફરતા થશે પછી જ કઈ કહેવું હિતાવહ છે તેમ બજાર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે. હવે આવી પરિસ્થિતિમાં બોનસનો બાજુ પર રહી જશે પૂરતા પગાર થાય તો પણ ઘણું છે.