ખુંટલીના આબુભાઇ ગાયની માવજત થકી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ
એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ‘આત્મા’ જીલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટર્ડ સોસાયટી છે. આ એજન્સીનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃતિઓનું સંકલન કરવાનું તથા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃતિઓ હાથ ધરવા અને કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવાનું છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખુટલી ગામના આબુભાઇ ભાંગુભાઇ જાદવને ગાયની સારી માવજત કરવા બદલ વર્ષ ૨૦૧૭-૧૮માં પશુપાલન માટે આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડથી સન્માનિત કરાયા છે. પશુપાલન ક્ષેત્રે આગવી સુઝબુઝ હોવાથી ખેતી સાથે પશુપાલન પણ કરે છે. સરકારની સહાયથી -આત્મા પ્રોજેકટ હેઠળ બે ગાયો લેવા માટે લોન લીધી. ૫૫ હજારની એક એવી ઓસ્ટીન જાતની બે ગાયો લીધી.
ગાયો માટે લીલો ઘાસ-ચારો પોતાના ખેતરમાં જ ઉગાડે છે. જેમાં બાજરી, મકાઇ, જુવાર વગેરેનો ચારો અને સાથે દાણ પણ આપે છે. રોજના એક ગાયને ૧૫ થી ૧૭ કીલો ચારો ખવડાવે છે. ગાયો માટે કોઢમાં જંતુઓ અને ગરમીની પરેશાનીને દુર કરવા માટે પંખા પણ લગાવ્યા છે. ઉપરાંત બધી ગાયનો વીમો પણ કરાવ્યો છે. આજે તેમની પાસે ચાર ગાયો છે જેમાં દર એક ગાય દિવસનું ૧૨ થી ૧૩ લીટર દુધ આપે છે. ગાયોનું દુધ ડેરીમાં ભરીને મહિને ૨૦ થી ૨૫ હજારની આવક મેળવે છે.
આબુભાઇ જણાવે છે કે, ગાયોને સારો ખોરાકની સાથે-સાથે સારી રીતે માવજત પણ આપવામાં આવે તો ગાયો વધારે તંદુરસ્ત રહે છે અને દુધ પણ વધારે આપે છે. વલસાડ જિલ્લામાં ઘણા પશુપાલકોએ આત્મા પ્રોજેકટ હેઠળ લાભ લીધો છે.