રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા
વોશિંગટન: કોરોના સંક્રમણથી પીડિત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ તેઓ ગત ત્રણ દિવસમાં હૉસ્પિટલમાં હતા. ટ્રમ્પે થોડાક જ સમયમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. તેના થોડાક કલાક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ સોમવાર સાંજે હૉસ્પિટલથી રજા લેશે. જોકે ડૉ. કૉનલે જણાવ્યું કે ટ્રમ્પના ઓક્સિજન લેવલમાં ઘટાડો નોંધાયા બાદ તેમને બે વાર વધારાનો ઓક્સિજન આપવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસના ચિકિત્સક ડૉ. સીન કૉનલે કહ્યું હતું કે ટ્રમ્પની તબિયત સુધરી રહી છે અને તેઓ રજા લઈ શકે છે.
જોકે ડૉકટરે કહ્યું કે તેઓ પૂરી રીતે ઠીક નથી થયા પરંતુ ઘરે જવા માટે સુરક્ષિત છે. ડૉક્ટરે કહ્યું કે ગત ૨૪ કલાકમાં ટ્રમ્પની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેઓએ કહ્યું કે ટ્રમ્પ ઘર પરત જશે જ્યાં તેમને ચોવીસે કલાક વિશ્વ સ્તરીય મેડિકલ કેર મળતી રહેશે. ડૉક્ટરે એવું પણ કહ્યું કે, સક્રિય વાયરસ હોવાના કોઈ લક્ષણ નથી, જેથી ટ્રમ્પ દ્વારા સંક્રમણ ફેલાવાનો ડર નથી. મેડિકલ ટીમે પણ જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખને શ્વાસ સંબંધી કોઈ ફરિયાદ નથી અને ગત ૭૨ કલાકમાં તેમને તાવ પણ નથી આવ્યો.
તેઓએ કહ્યું કે ટ્રમ્પનું ઓક્સિજન લેવલ સામાન્ય છે. ટીમે કહ્યું કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને તે તમામ સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવશે જે ગ્રેટ વાલ્ટર મેડિકલ સેન્ટરમાં આપવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઓફિશિયલ નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ આવી ગયા છે, જ્યાં તેમની સારવાર ચાલુ રહેશે. હૉસ્પિટલથી રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, ટૂંક સમયમાં ચૂંટણી પ્રચાર શરૂ કરીશું. ફેક ન્યૂઝ માત્ર ફેક પૉલ દર્શાવે છે. ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, હું આજે જ ગ્રેટ વાલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી રજા લઈશ. ખૂબ સારું અનુભવી રહ્યો છું. કોવિડથી ડરો નહીં. તેને પોતાના જીવન પર હાવી ન થવા દો. અમે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેઠળ કેટલીક ખૂબ જ સારી દવાઓ અને જાણકારી વિકસિત કરી છે.