રિવરફ્રન્ટ ઉપર કપલને બે શખ્સોએ છરી બતાવીને લૂંટ્યા
અમદાવાદ: આમ તો રાત્રે જ્યારે રિવરફ્રન્ટ પર કોઈ બેસવા જાય ત્યારે દસેક વાગ્યા બાદ ત્યાંની સિક્યોરિટી લોકોને ત્યાંથી જતા રહેવા આદેશ કરતી હોય છે અને પોલીસ પણ આવું જ કરે છે. તો પ્રશ્ન થાય કે, અનેક લૂંટ કે કપલ પાસેથી રૂપિયા પડાવવાના આટલા કિસ્સાઓ તો કઇ રીતે બને છે? ગાર્ડ કે પોલીસ ત્યારે ક્યાં હોય છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા રીવરફ્રન્ટના અપર વોકવે પર બની હતી. એક કપલ રાત્રે બારેક વાગ્યે આવીને બેએક વાગ્યા સુધી બેસી વાતો કરતા કરતા નાસ્તો કરતા હતા.
ત્યારે બે શખસોએ આવીને છરી બતાવી લૂંટી લીધા હતા. આવી અગાઉ પણ અનેક ઘટના બની છે. જેથી દસ વાગ્યા બાદ રિવરફ્રન્ટ પર જવું જાણે ખતરો હોય તેવું સાબિત થઈ રહ્યું છે. મૂળ બનાસકાંઠાના અને હાલ અમદાવાદના નારણપુરામાં રહેતા મિત સોની એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની સગાઇ પૂનમ નામની ડોકટર યુવતી સાથે થઈ છે. બે દિવસ પહેલા તેઓ રાત્રે તેમનું બાઇક લઈને પૂનમ બહેનને તેમની હોસ્પિટલ ખાતે લેવા ગયા હતા. ત્યાંથી તે બને અંકુર ચાર રસ્તા ગયા હતા. ત્યાં સેન્ડવીચ લીધી અને બાદમાં ફરતા ફરતા રાત્રે બારેક વાગ્યાની આસપાસ બને દધીચી રિવરફ્રન્ટ ખાતે અપર વોકવે પર ગયા હતા. ત્યાં પાળી પર બેઠા બેઠા બંને વાતો કરતા હતા.
ત્યારે ઉસમાનપુરા ગાર્ડન તરફથી બે સવા બે વાગ્યાની આસપાસ એક્ટિવા પર બે લોકો આવ્યા હતા. આ બંને શખસોએ મિતભાઈ અને પૂનમ બહેન પાસે આવીને હિન્દીમાં “ઇતની મોડી રાત તક ક્યા કર રહે હે” તેવું પૂછ્યું હતું. બને શખશો પાસે રહેલી છરી બતાવી મિતભાઈ અને પૂનમ બહેનને છરી બતાવી પર્સ, કાર્ડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી એક્ટિવા પર જ ફરાર થઈ ગયા હતા. બાદમાં મિતભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે રિવરફ્રન્ટના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી લૂંટારુઓને શોધવા તજવીજ હાથ ધરી છે.