Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના ૨૩૦૪૧ ખેડૂતોને હવે દિવસ દરમિયાન ૮ કલાક વીજળી મળશે

આલેખન – દર્શન ત્રિવેદી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને એક અનન્ય ભેટ આપી છે. ખેડૂતોને દિવસ દરમિયાન આઠ કલાક વીજળી આપવાની સરકારની મહત્વાકાંક્ષી દિનકર યોજનાના પ્રારંભિક તબક્કામાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનું આગામી તા. ૩૧ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

ટેકનિકલ કારણોથી કૃષિ વીજ જોડાણમાં રાત્રીની સમયે જ વીજળી આપી શકાતી હોવાથી ખેડૂતોને રાતભરના ઉજાગરા કરીને પોતાના કૃષિ પાકને પીયત કરવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને દિનકર યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન આઠ કલાક વીજળી મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના ચાલું વર્ષના બજેટમાં ખેડૂતકલ્યાણની આ યોજના માટે રૂ. ૩૫૦૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરી છે. તેનું હવે અમલીકરણ થવા જઇ રહ્યું છે. દિનકર યોજનાના પ્રારંભિક તબક્કામાં દાહોદ ઉપરાંત જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લાના એક પોકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષિલક્ષી વીજ જોડાણોને દિવસ દરમિયાન થ્રી ફેઝમાં વીજળી આપવામાં આવશે. આગામી તા. ૩૧ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આ યોજનાનું દિલ્હી ખાતેથી ડિઝીટલી લોકાર્પણ કરશે. તેમાં દાહોદ જિલ્લાના ખેડૂતોને પણ સંબોધન કરવાના છે.

દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા દિનકર યોજના હેઠળની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તે અંગે માહિતી આપતા વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર શ્રી સંજય વર્માએ કહ્યું કે, જિલ્લામાં કૃષિ વીજ જોડાણ અંગેના ૧૧ કે. વી.ના ૪૨ ફિડર આવેલા છે. આ ઉપરાંત, સંતરોડ સબ ડિવીઝનના ૪ અને સંતરામ પુર સબ ડિવીઝનમાં આવતા ૩ મળી કુલ ૪૯ કૃષિલક્ષી ફિડરોથી ખેડૂતોને હાલના તબક્કે વીજળી આપવામાં આવે છે. મેઇન્ટેનન્સ કરવા માટે દાહોદ સર્કલ દ્વારા તા. ૩૧-૮-૨૦ થી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તે કામગીરી ૧૫ દિવસ સુધી સતત ચાલી હતી.

આ કામગીરી દરમિયાન, ૨૩ સબ ડિવીઝન હેઠળની ચાર હજાર કિલોમિટર કરતા પણ વધુ વીજલાઇનની તપાસ, નવીનલાઇન નાખવી, જરૂરી સાધનો બદલવા સહિતની કામગીરી કરવામાં આવી છે. દાહોદ સર્કલ હેઠળના ૩૪૬ કૃષિ ટ્રાન્સફોર્મર્સનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેમાં કુલ ૬૫ ટીમો જોડાઇ હતી. આ ટીમો દ્વારા ૧૬ નવા બોક્સ નાખવામાં આવ્યા, ૫૨૭ નવા ફ્યુઝ, ૧૦ સ્થળોએ વીજભાર બેલેન્સ, ૮૯૬ કિમિ. નવી વીજતાર, ૩ સ્થળોએ બૂશિંગ આપવા, ૨૪ સ્થળોએ અર્થિંગ વ્યવસ્થિત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. મૂળ વાત એ છે કે, હવે દાહોદ જિલ્લામાં કૃષિ વીજ જોડાણ ધરાવતા ૨૩૦૪૧ ખેડૂતોને પોતાના પાકને પાણી પાવા માટે દિવસ દરમિયાન વીજળી મળશે અને રાત દરમિયાન પાણી પાવાની મૂશ્કેલીમાંથી છૂટકારો મળશે.

હાલના આયોજન પ્રમાણે આગામી તા. ૩૧ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હી ખાતેથી દિનકર યોજનાનું લોન્ચિંગ કરશે. તેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ ગાંધીનગરથી જોડાશે. દાહોદના ખેડૂતોને પણ વડાપ્રધાનશ્રી સંબોધન કરવાના છે. ત્યારે, દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ કાર્યક્રમ યોજાઇ તે માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં આજે એક બેઠક મળી હતી અને તેમાં વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.