એકવીસ વર્ષના યુવાનનું ભગીરથ કાર્ય:ગરબાડાના ૨૫ ગામડાઓમાં શાળાએ શાળાએ ફરી ૧૦૮૮૯ વિદ્યાર્થીઓને હેન્ડવોશની સાચી પદ્ધતિ શીખવી
આલેખન : મહેન્દ્ર પરમાર
એકવીસ વર્ષનો હજુ યુવાનીની શરૂઆત થઇ હોય તેવો છોકરડો અને સમાજ માટે કંઇ કરી દેખાડવાની ધગશ સાથે એક વર્ષ અગાઉ તેણે દાહોદના ગરબાડાના ગામે ગામ હેન્ડવોશ કેંમ્પેઇનની પ્રવૃતિ એકલે હાથે શરૂ કરી. અલબત્ત અહીંના નેહરૂ યુવા કેન્દ્રના સપોર્ટ સાથે અને ગરબાડાના પચ્ચીસ ગામડાઓમાં શાળાએ શાળાએ ફરી ૧૦૮૮૯ વિદ્યાર્થીઓને હેન્ડવોશની સાચી પદ્ધતિ શીખવી. એ સમયે જયારે ચાઇનામાં કોરોનાનો પ્રકોપ હજુ શરૂ થયો હતો અને ભારતમાં કોઇને અંદાજ પણ નહોતો કે આગામી પરિસ્થિતિ કેવી આવવાની છે અને લોકોને હેન્ડવોશની અગત્યતા વડાપ્રધાન પોતે સમજાવવાના હતા.
આ યુવાનનું નામ છે વિનોદ પ્રજાપતિ. એકવીસ વર્ષના તેજસ્વી યુવાન વિનોદે સીવીલ એન્જિનિયરિંગમાં ૩ વર્ષ ડિપ્લોમાં કોર્ષ ડિસ્ટીંકશન સાથે પૂરો કર્યા બાદ ૩ વર્ષ માટેનો ડિગ્રી અભ્યાસક્રમ પણ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. ગરબાડાના આ યુવાનના પિતા શંકરભાઇ માટીકામ કરી ગુજરાન ચલાવે છે. ઘરમાં એક ભાઇ અને બે બહેન છે. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ સામાન્ય છે. ભાઇ સીલાઇકામ શીખીને આવક મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વિનોદે આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં ભણવામાં કશી કચાશ રાખી નહોતી. તેનામાં ભણવા ઉપરાંત પણ સમાજ માટે કંઇ કરવાની ધગશ હતી. આથી વિનોદ નજીકના નેહરૂ યુવા કેન્દ્ર સાથે જોડાયો. વિનોદ જણાવે છે કે, મોટે ભાગે ગામડાઓમાં હેન્ડવોશ બાબતે લોકોમાં એટલી જાગૃકતા હોતી નથી કે કયારે હાથ ધોવા જરૂરી છે, હાથ ધોતી વખતે ઓછામાં ઓછા કેટલા સમય સુધી હાથ ઘસવા વગેરે. સાવ સામાન્ય એવી આ વસ્તુથી કેટલાય મોટા રોગ નિવારી શકાય છે અને અત્યારે કોરોના સામેની લડાઇમાં તો હેન્ડવોશ એક અગત્યનું સાધન પૂરવાર થયું છે.
ગત નવેમ્બર, ૨૦૧૯માં વિનોદે નેહરૂ યુવા કેન્દ્રમાંથી હેન્ડવોશ જાગૃતિ કાર્યક્રમ માટે તાલીમ લીધી. જયારે આ તાલીમ ચાલી રહી હતી ત્યારે ચાઇનામાં કોરોનાની શરૂઆત થઇ હતી. એ વખતે ભારતમાં કોઇને વિચારે નહોતો કે આગામી સમયમાં કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તાલીમમાં ગામડામાં કઇ રીતે લોકોને હેન્ડવોશ માટે પ્રોત્સાહિત કરવા, કઇ રીતે કાર્યક્રમનું સંચાલન કરવું વગેરે શીખવવામાં આવ્યું. નેહરૂ યુવા કેન્દ્રના કો-ઓર્ડિનેટર અજીત જૈને પણ વિનોદને ઘણું પ્રોત્સાહન આપ્યું. તાલીમ બાદ કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ તાલામાર્થીઓને મળ્યા હતા અને તેમને આ બાબતે પ્રેરિત કર્યા હતા.
ત્યાર બાદ વિનોદે સૌપ્રથમ હેન્ડવોશ અભિયાનની શરૂઆત પોતે અભ્યાસ કર્યો હતો તે શાળાથી જ કરી. પોતાના ગામની કુમાર પ્રાથમિક શાળાના ૪૮૯ વિદ્યાર્થીઓને હેન્ડવોશની સાચી રીત શીખવી હેન્ડવોશ કરાવ્યા. પોતાનો પહેલો કાર્યક્રમ ખૂબ સફળ રહેતા વિનોદને બીજી જગ્યાએ પણ આ રીતના કાર્યક્રમ કરવાનું ઇજન મળ્યું.
વિનોદે ગરબાડાના વિવિધ ૨૫ ગામોની ૩૫ શાળાઓમાં હેન્ડવોશ કાર્યક્રમ યોજયા અને ગામડાના ૧૦૮૮૯ વિદ્યાર્થીઓને હેન્ડવોશની સાચી પદ્ધતિ શીખવવાનું ભગીરથ કાર્ય કર્યું. અત્યાર સુધીમાં કોરોના ભારતમાં આગમન થઇ ચૂકયું હતું અને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા વિનોદ તેના અભિયાનને આગળ વધારી ન શકયો. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે દાહોદ જિલ્લામાં અત્યારે કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે તેના માટે વિનોદ જેવા ઘણા યુવાનોનું પણ મહત્વનું યોગદાન રહેલું છે.
વિનોદ જણાવે છે કે, મને પહેલેથી જ મનમાં એવો ઉત્સાહ હતો કે સમાજ માટે કંઇ સેવાકીય પ્રવૃતિ કરૂ. જે માટે નેહરૂ યુવા કેન્દ્રમાં જોડાતા મને સાચી દિશા મળી અને હેન્ડવોશ કેમ્પેંઇનમાં મેં ઉમદા ઇરાદા સાથે કામ કર્યું. ગામે ગામ આ કાર્યક્રમ કરવાથી મને અંગત રીતે પણ ખૂબ ફાયદો થયો છે. મારામાં આત્મવિશ્વાસ વધ્યો છે. પહેલા હું શરમાળ હતો. હવે સ્ટેજ પર સરળતાથી બોલી શકું છું.
યુવાનોમાં સમાજ માટે કંઇ કરવાની ધગશ હોય છે પરંતુ ઘણી વખત યોગ્ય દિશા ન મળવાથી તેઓ આ ક્ષેત્રે ઝુકાવતા નથી. યોગ્ય દિશા-માર્ગદર્શન મળે તો તેઓ પૂરી નિષ્ઠાથી આગળ વધે છે અને કંઇ નોંધપાત્ર પ્રદાન પણ કરી દેખાડે છે. વિનોદની આ કામગીરી માટે બીજી ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે મંચ પર પ્રશસ્તિપત્ર આપીને તેનું સન્માન પણ કર્યું હતું.