Western Times News

Gujarati News

વરુણા ગામે બોલેરો અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાવલના વરુણા ગામે બોલેરો અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર ૧૯ વર્ષીય આશાસ્પદ યુવાનનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજયું હતું. જ્યારે ૧૧ વર્ષીય કિશોરને નજીવી ઇજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના નવા ઘરના ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય લાલાભાઇ સળિયાભાઈ ગરાસીયા મોટરસાયકલ લઈ ટીટોડી ગામે પોતાની બહેનના ઘેર ગયો હતો. અને ૧૨ વાગ્યાના અરસામાં પરત ઘરે આવવા ત્યાંથી પોતાના ૧૧ વર્ષની ઉંમરના ભાણેજને લઈને નીકળ્યો હતો.

તે સમયે નાની ઢઢેલી થી સુખસર તરફ આવતા માર્ગ ઉપર  રાવળના વરુણા ગામે સામેથી પુરપાટ દોડી આવતી બોલેરો ગાડીના ચાલકની ગફલતને અને બોલેરોની વધુ પડતી ઝડપના કારણે બોલેરો ગાડી લાલાભાઇ ગરાસીયાની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર લાલાભાઇ ગરાસીયા તથા ૧૧ વર્ષીય ભાવેશભાઈ સુરસીંગભાઈ પારગી મોટરસાઇકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતા લાલાભાઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજયું હતું.

જ્યારે ભાવેશભાઈ પારગીને શરીરે ઓછી વત્તી ઇજાઓ થતાં તેને સારવાર માટે સુખસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બોલેરો ગાડી ડબલારા ગામની હોવાનું જાણવા મળ્યું છે.

આ સંબંધે સુખસર પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવેલ સુખસર પોલીસે લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી પી.એમ માટે સુખસર સરકારી દવાખાને મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.