Western Times News

Gujarati News

અભિનેત્રી બનવા માટે બે બહેનો ઘરેથી ભાગી ગઈ

વડોદરા: મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી બાળકો ઘરે છે. ઓનલાઈન શિક્ષણ સિવાયના બાકીના કલાકો તેઓ મોબાઈલ મચેડવામાં અથવા ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરિઝ જોઈને પસાર કરી રહ્યા છે. પરંતુ શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી બે પિતરાઈ બહેનો પર વેબ સીરિઝ એટલી હદે છવાઈ ગઈ કે બંનેએ એક્ટિંગમાં કરિયર બનાવવાનું નક્કી કરી લીધું અને ઘરેથી ભાગી ગઈ હતી. ૧૪ વર્ષની બંને છોકરીઓ પોતાની જાતે જ મંગળવારે બપોર બાદ બોલિવુડના હબ કહેવાતા મુંબઈ તરફ જવા નીકળી પડી હતી.

જો કે, તેમણે કરેલું આ સાહસ લાંબો સમય ચાલ્યું નહીં કારણ કે તેમને શોધી કાઢવામાં આવી હતી અને રાત્રે તેમનો તેમના માતા-પિતા સાથે ભેટો પણ કરાવી દેવામાં આવ્યો. બંને છોકરીઓને ભરૂચ નજીકના ઝગડિયામાંથી શોધી કાઢવામાં આવી હતી, જ્યાં તેઓ વાપીથી પરત ફરી હતી. પરંતુ નાટકનો અંત હજુ પણ આવ્યો નહોતો. તેમણે તેમના માતા-પિતાનો ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. છોકરીઓએ તેમના માતા-પિતાને ફોન પણ જણાવ્યું હતું કે, બંને ખૂબ ડરી ગયા છે અને તેઓ તેમને ત્યાંથી ઘરે લઈ જાય’, તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

ઘરે પહોંચતાની સાથે જ ઠપકો સાંભળવો પડશે તેવા ડરથી બંને છોકરીઓએ અપહરણની વાર્તા ઘડી કાઢી હતી. ભરૂચ પોલીસની મદદથી બંને મળી આવી હતી અને ત્યારબાદ તેમને વડોદરા લવાઈ હતી. છોકરીઓએ અમને જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ માત્ર મુંબઈ જવાનો અને એક્ટ્રેસ બનવાનો હતો. આ વિચાર તેમને વેબ સીરિઝ જોયા બાદ આવ્યો હતો’, તેમ અધિકારીએ ઉમેર્યું હતું. બંને પિતરાઈ બહેનો ઉત્તરવહી જમા કરાવવા માટે સ્કૂલે ગઈ હતી પરંતુ ઘરે પરત ફરી નહીં. દીકરીઓ ઘરે ન આવતાં માતા-પિતા ચિંતિત થઈગયા હતા અને તેઓ સ્કૂલે ચેક કરવા માટે ગયા હતા. જ્યાં તેમને તેમનું વ્હીકલ બહાર પાર્ક કરેલું જોવા મળ્યું હતું.

પરંતુ છોકરીઓ ક્યાંય જોવા મળી નહીં. બાદમાં બંનેના માતા-પિતાએ તેમને શોધી કાઢવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસે તેમના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું હતું તો તેઓ વાપીમાં હોવાનું જાણવા મળ્યું હતું. અમે તરત જ વડોદરાથી એક ટીમ ત્યાં મોકલી હતી અને વાપી પોલીસને પણ એલર્ટ કરી હતી. પરંતુ તેમને શંકા જતા ઘરે પરત ફરવાનું નક્કી કર્યું હતું’, તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. જ્યારે પોલીસે તેમની પૂછપરછ કરી તો, છોકરીઓએ જણાવ્યું કે, સુરત પહોંચવા માટે તેઓ જીએસઆરટીસીમાં બેઠા હતા અને બાદમાં ત્યાંથી વાપી ગયા હતા. તેમના પરિવારે પોલીસની મદદથી તેમની શોધખોળ શરુ કરી દીધી હશે તેવી શંકા જતાં તેઓ બસ દ્વારા ઝઘડિયા પાછા આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.