સિઝનલ વાયરલ ઈન્ફેક્શન કોરોનાના લક્ષણો સમાન છે
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધ્યા છે. આ ખતરનાક વાયરસે કેટલાય લોકોનો ભોગ પણ લીધો છે. બીજી તરફ સવારે ઠંડી, બપોરે ગરમી જેવી બેવડી ઋતુના કાપણે સીઝનલ વાયરલ ઈન્ફેક્શન, વાયરલ તાવ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓ પણ વધી છે. આ તમામ બીમારીઓના લક્ષણ મહદઅંશે કોરોના જેવા હોય છે. જેના કારણે કેટલાક દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઉભી થાય છે. આવા સમયે સેલ્ફ ટ્રીટમેન્ટ એટલે કે જાતે જ કોઈ ઘરેલુ ઉપચાર કરવાથી ખતરો વધી શકે છે.
તાવ, ઉધરસ, ગળામાં દુઃખાવો અને તાવ જેવા લક્ષણો આ બીમારીઓમાં સામાન્ય હોવાથી સચોટ ઈલાજ ન થતા સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે નિષ્ણાતોએ ડોક્ટરોની સલાહ મુજબ સારવાર કરવાની અપીલ કરી છે. રાજ્યમાં છેલ્લા ૬ મહિના કરતાં વધુ સમયથી કોરોનાની ઉપસ્થિતિ છે. લોકો ભલે કામના કારણે ઘર બહાર નીકળી રહ્યા હોય પરંતુ ભય હજુ પણ ફેલાયેલો છે. છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ઈન્ફેક્શન, તાવ, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓના દર્દી પણ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદના ક્લિનિકોમાં આવા દર્દીઓનો ધસારો વધ્યો છે.
જેમાં કેટલાક કિસ્સામાં દર્દીને ચિકનગુનિયા હોય તો કોરોના થયો હોવાનું સમજે છે. તો કોઈ કેસમાં ખરેખર કોરોના હોય તો સામાન્ય તાવ ગણીને દર્દી પહેલા દિવસથી તેમની જાતે દવા લેવાનું શરુ કરી દે છે. જેના કારણે બીમારી ખરેખર વકરે છે અને સારવાર કરવામાં વિલંબ થાય તો દર્દીને જ નુકસાન થાય છે. આ સિવાય દર્દીને કોરોના હોય પરંતુ તે તેને તાવ સમજતો હોય તો પરિવારના અન્ય સભ્યોને પણ સંક્રમણ થવાનું જોખમ રહે છે. પ્રવીણ ગર્ગે દર્દીઓએ જાતે સારવાર કરવાનું ટાળવું જોઈએ તેવી સલાહ આપી છે.
તેમણે તેમ પણ કહ્યું કે, કોરોનાના લક્ષણ દેખાતા હોય તો અર્બન હેલ્થ સેન્ટરથી લઈને મનપા દ્વારા અનેક સ્થળોએ વિનામૂલ્યે ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાઈ છે. ત્યાં માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ. આમ કરવાથી કોરોના છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે. જો કોરોના નેગેટિવ આવે તો અન્ય બીમારીનો રિપોર્ટ કરાવી લેવો જેથી સમયસર સારવાર મળી રહે. આ સિવાય ડોક્ટરની સલાહનું કડક રીતે પાલન કરવું જોઈએ’.