કાલુપુરમાં એક સાથે રેલવે, બુલેટ અને મેટ્રો સ્ટેશન હશે
અમદાવાદ: નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહત્વનો ર્નિણય લઈ લેવામાં આવ્યો છે. એટલે કે હવે બુટેલ ટ્રેન કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પરથી જ દોડશે. આ માટે કોઈ સ્પેશિયલ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે. આ સાથે અહીં બુલેટ ટ્રેન, અન્ય ટ્રેનો અને મેટ્રો ટ્રેનનું પણ સ્ટેશન હશે. એટલે કે એક જ રેલવે સ્ટેશન પર અલગ-અલગ ત્રણ પ્રકારની રેલવે દોડતી જોવા મળશે.
આ સ્ટેશન સાથે મુસાફરો સરળતાથી જોડાઈ શકે તે માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેમાં બીઆરટીએસ અને એરપોર્ટ સાથે મુસાફરો કનેક્ટ રહી શકે તે માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. કાલુપુરમાં એક જ જગ્યાએ જમીનની અંદર, જમીન પર અને જમીનની ઉપર અલગ-અલગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્ટેશનની ડિઝાઈન અને કંસ્ટ્રક્શન માટે કામની સોંપણી કરવા માટે બિડ્સ મંગાવ્યા છે, જેમાં હાઈ-સ્પીડ ટ્રેન માટે સાબરમતી અને આણંદ વચ્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે, જેમાં અમદાવાદ અને સાબરમતીમાં રેલવે સ્ટેશન પણ ડિઝાઈન કરવામાં આવશે.
એનએચએસઆરસીએલ દ્વારા પાછલા મહિને જણાવ્યા પ્રમાણે સાબરમતી અને આણંદ વચ્ચે તૈયાર થનારા કોરિડોરમાં ૫૦૮ કિલોમીટરમાંથી ૩૨૫ કિલોમીટરનું અતર આવે છે જે કુલ અંતરનો ૬૪% ભાગ છે અને તેના માટે બડ્સ મંગાવાયા છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ૧૨ સ્ટેશન આવશે, જેમાંથી ૫ સ્ટેશન માટેના ટેક્નિકલ બિડ્સ ખોલવામાં આવ્યા છે, જેમાં વાપી, સુરત, બિલ્લીમોરા, સુરત, ભરુચ અને નડિયાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કાલુપુરમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સરસપુર તરફ તૈયાર કરવામાં આવશે.
અહીં જગ્યા તૈયાર કરીને સુપર સ્પેશિયલિટી ધરાવતું રેલવે સ્ટેશન ઉભું કરાશે. અહીં સુધી પહોંચવા માટે મેટ્રો સ્ટેશનનો પણ ઉપયોગ કરી શકાશે. રેલવેના મુસાફરો સરસપુમાં તૈયાર થનારા બુલેટ ટ્રેન અને કાલુપુર રેલવે સ્ટેશન સાથે જોડાયેલા રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેમાં એસ્કેલેટર અને એલિવેટરનો પણ સમાવેશ થાય છે જેના ઉપયોગથી બન્ને સ્ટેશન વચ્ચે મુસાફરો સરળતાથી જોડાયેલા રહી શકે. આ સ્ટેશન પર બૂકિંગ ઓફિસ, પેસેન્જર લોબી, ચા-કોફીની કિઓસ્ક વગેરે તૈયાર કરવામાં આવશે.