દિલ્હીના ચાર ગઠીયાઓએ કાલુપુરનાં વેપારી સાથે ૬૦ લાખની છેતરપીંડી કરી

અમદાવાદ: શહેરની રેવડી બજારમાં કાપડની દુકાન ધરાવતાં વેપારી સાથે એક મહીલા સહીત ચાર શખ્સોએ રૂપિયા ૬૦ લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે વર્ષ ર૦૧૮માં અભયસિંહ તથા તેની પત્ની સારીકા (બંને રહે. ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ) કાલુપુર, રેવડી બજારમાં જીન્સના કાપડનો વેપાર કરતા અશોકભાઈને મળ્યા હતા અને પોતાને નોકરીએ રાખવા વિનંતી કરી હતી ઉપરાંત પોતે અશોકભાઈના કાપડનું દિલ્હી ખાતે માર્કેટીંગ કરી ગ્રાહક લાવશે તેવી વાત કરી હતી જેથી અશોકભાઈએ બંનેને નોકરીએ રાખ્યા બાદ થોડા સમય સુધી બધુ સરખુ ચાલ્યુ હતું
બાદમાં દિલ્હી, કરોલબાગ ખાતે જે.બી. ઓસ્વાલ દુકાન ધરાવતા પિતા-પુત્ર સુનીલ જૈન અને સૌરભ જૈનને લઈ આવ્યા હતા ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં અશોકભાઈએ તેમને કુલ પ૯.૪૯ લાખનો માલ મોકલ્યો હતો જાેકે બંને રૂપિયા ચુકવવામાં ગલ્લા તલ્લાં કર્યા હતા. બાદમાં આ અંગે અશોકભાઈએ અભય અને સારીકા પાસે રૂપિયા માંગતા બંનેએ અમે તમારી નોકરી છોડી દીધી છે તેવી વાત કરી હાથ ખંખેરી લીધા હતા. જેથી ચારેય શખ્સોએ મિલીભગત કરી તેમને છેતર્યા હોવાનું જાણતા અશોકભાઈએ તેમના વિરુધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.