૩૦ લાખથી વધુની હોમ લોન પરના વ્યાજ દર ઘટશે
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક અને ફાઇનાન્સ કંપનીને રાહત આપવાના પગલા સાથે રૂપિયા ૩૦ લાખથી વધુની હોમ લોન ધરાવતા ગ્રાહકોને રાહત મળશે. સૌથી મોટો ઘટાડો રૂ. ૭૫ લાખથી વધુની લોન માટે આવી શકે છે. હાલના તબક્કે લોનના દર કેટલી રકમની લોન લીધી છે તેના પર ર્નિભર કરે છે. ઉદાહરણ તરીકે રૂ.૩૦ લાખ સુધીની હોમ લોન માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૭ ટકા જેટલો વ્યાજદર વસૂલે છે. તો રૂ.૩૦ લાખથી વધુ અને રૂ. ૭૫ લાખથી ઓછી લોન માટે બેંક ૭.૨૫ ટકાનો વ્યાજદર વસૂલે છે.
એજ રીતે પંજાબ નેશનલ બેંક ત્રણ સ્લોટમાં અનુક્રમે ૭.૧૫, ૭.૨૫ અને ૭.૩૦થી ૭.૪૦ ટકા વ્યાજ વસૂલે છે. જ્યારે પ્રાઈવેટ સેક્ટરની હોમ ફાઈનાન્સ બેંક લી. પણ રુ. ૩૦ લાખથી નીચીની હોમ લોન અને ઉપરની હોમ લોન માટે ૬.૯૫થી ૭.૦૫ ટકા સુધી જુદો જુદો ચાર્જ વસૂલે છે. આ ઉપરાંત મોટાભાગની બેંક જ્યાં મહિલા લોન ધારક હોય છે ત્યાં ૫ બેઝિસ પોઇન્ટ જેટલો ઘટાડો કરે છે.
વ્યાજદરોમાં પ્રગતિશીલ વધારો, મૂડી આવશ્યકતાઓને કારણે છે જે લોનના કદ સાથે વધે છે. હાલમાં, બેંકે ૩૦ લાખ રૂપિયા સુધીની હોમ લોન માટે નિર્ધારિત મૂડીના ફક્ત ૩૫% જ મૂડી જાળવવાની હોય છે. પરંતુ જ્યાં લોનની રકમ ૩૦ લાખથી ૭૫ લાખ સુધીની હોય ત્યાં આ રકમ ૫૦ ટકા જેટલી હોય છે અને ૭૫ લાખથી વધુની લોન માટે ૭૫% જેટલી મૂડી જાળવવાની હોય છે.
અનસિક્યોર્ડ પર્સનલ લોનથી વિપરીત, જેમાં નિર્ધારિત મૂડીના ૧૦૦% ટકા જાળવવાની બેંકને આવશ્યકતા રહે છે, હોમ લોન માટે બેંકોને ઓછી મૂડી જાળવવાની છૂટ હોય છે કારણે કે આ લોનને સુરક્ષાની દ્રષ્ટીએ સલામત માનવામાં આવે છે. લોનના કદ ઉપરાંત, મૂડી આવશ્યકતાઓ પણ મિલકતના મૂલ્યની તુલનામાં લોનની રકમ પર આધારિત છે, જેને લોન-ટુ-વેલ્યુ (એલટીવી) પણ કહેવામાં આવે છે.
જો ઘર ખરીદનાર પોતાના યોગદાન તરીકે મિલકતનું ૨૦% મૂલ્ય પોતે લાવે છે અને બાકીના ૮૦% હોમ લોન લે છે તો બેંક માટે મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને તેનો ફાયદો નીચા વ્યાજદરના રૂપે ગ્રાહકને આપવામાં આવે છે. શુક્રવારે પોતાની ક્રેડિટ પોલિસીમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, માર્ચ ૨૦૨૨ સુધી મૂડીની જરૂરિયાત ફક્ત એલટીવી પર આધારિત છે, નહીં કે લોનના કદ પર. જ્યાં એલટીવી ૮૦ ટકા હોય અથવા તેનાથી ઓછી હોય તો લોન આપનારી બેંક ૩૫% સુધીનું જોખમ ઉઠાવી શકે છે. અને જ્યાં એલટીવી ૮૦ ટકા થી વધારે પણ ૯૦ ટકાથી ઓછું હોય ત્યાં બેંકો ૫૦ ટકા જેટલું જોખમ વઠાવી શકે છે. એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું કે મોટા કદના હોમ લોન પરના વ્યાજના દર સૌથી નીચા હોમ લોનના દર સાથે સરખાવવામાં આવી શકે છે, જે હાલમાં આશરે ૭% જેટલા છે. વિશેષ રૂપે કેપિટલ વધારવા માગતી સાર્વજનિક ક્ષેત્રની બેંકો મોટી હોમ લોન વધારવા માટે ઉત્સુક હશે, કારણ કે નાના કદના લોનની તુલનામાં તેમની સેવા કિંમત ઓછી હોય છે.