ત્રિપુરા મુખ્યમંત્રી સામે બળવો કરનારા ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા
નવી દિલ્હી: ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબને તાનાશાહ ગણાવતા કેટલાક ધારાસભ્યો તેમને હટાવવાની માગણી લઈને દિલ્હી પહોંચી ગયા છે. બળવાખોર બનેલી ધારાસભ્યોનું નેતૃત્વ સુદીપ રોય બર્મન કરી રહ્યા છે. બર્મનનો દાવો છે કે અનેક ધારાસભ્યો મુખ્યમંત્રી વિરુદ્ધ તેમની સાથે છે.
તેમણે કહ્યું કે બિપ્લબ દેબનું વલણ એક તાનાશાહ જેવું છે અને તેમને પાસે પુરતો અનુભવ પણ નથી, આથી તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ. બર્મન સહિત દિલ્હીમાં સાત ધારાસભ્યોએ ડેરો જમાવ્યો છે. તમામે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો છે. અત્રે જણાવવાનું કે ત્રિપુરાની ૬૦ સભ્યોની વિધાનસભામાં ભાજપના ૩૬ ધારાસભ્યો છે. આવામાં જો સુદીપ રોય બર્મનનો દાવો સાચો હશે
તો ભાજપ માટે સરકાર બચાવી રાખવી મુશ્કેલ બનશે. દિલ્હી પહોંચેલા ધારાસભ્યમાં બર્મન ઉપરાંત સુશાંતા ચૌધરી, આશીષ સાહા, આશીષ દાસ, દિવાચંદ્ર રંખલ, બર્બમોહન ત્રિપુરા, અને રામ પ્રસાદ પાલ સામેલ છે. ચૌધરીએ દાવો કર્યો કે બે અન્ય ધારાસભ્યો બીરેન્દ્ર કિશોર દેબબર્મન અને બિપ્લબ ઘોષ પણ અમારી સાથે પરંતુ તેઓ કોરોના પીડિત હોવાના કારણે દિલ્હી આવી શક્યા નથી. તેમણે કહ્યું કે ભાજપથી અમને કોઈ ફરિયાદ નથી પરંતુ ત્રિપુરામાં જે કઈ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. બળવાખોર નેતાઓ ભલે દિલ્હી પહોંચી ગયા હોય
પરંતુ મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે કે તેમના નીકટના નેતાઓએ કહ્યું છે કે રાજ્ય સરકારને કોઈ જોખમ નથી. ત્રિપુરા ભાજપ અધ્યક્ષ માનિક સાહાના જણાવ્યા મુજબ સરકાર સુરક્ષિત છે અને હું કહેવા માંગુ છું કે સાત કે આઠ ધારાસભ્યો સરકાર પાડી શકે નહીં.
આ બાજુ બળવાખોર ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ પોતાની માગણી પર કાયમ છે. તેમણે કહ્યું કે જો ભાજપ રાજ્યમાં લાંબા સમય સુધી સત્તા પર રહેવા માંગતો હોય તો તેમણે દેબને હટાવવા પડશે. ત્રિપુરામાં જે કઈ થઈ રહ્યું છે તે બિલકુલ તાનાશાહી છે. મુખ્યમંત્રીને પોતાના કોઈ પણ ધારાસભ્ય પર ભરોસો નથી. તેઓ પોતે બે ડઝનથી વધુ વિભાગોનો કાર્યભાર સંભાળે છે.