Western Times News

Gujarati News

અરવલ્લીમાં વધુ બે હીટ એન્ડ રનની ઘટનામાં ૩ ના મોત

ભીલાડનું દંપતી સારવાર કરાવી રોડ ક્રોસ કરતુ હતું અજાણ્યા વાહને અડફેટે લેતા મોત, શામળાજી નજીક યુવકને કચડ્યો 

અરવલ્લી જીલ્લામાં યમરાજાએ જાણે પડાવ નાખ્યો હોય તેમ  જીલ્લામાં ૨૪ કલાકમાં હીટ એન્ડ રનની ૪ ઘટનાઓમાં ૫ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે હજુ તો સવારે બનેલ મરડીયા બસ સ્ટેન્ડ અને સાઠંબા-ગાબટ રોડ પર બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં બે આશાસ્પદ યુવકોનું રોડ પર પડેલ લોહીના ડાઘા સુકાયા પણ નથી ત્યાં શામળાજીના રૂદ્રેશ્વર મહાદેવ નજીક પસાર થતા ધંબોલીયા ગામના યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું

અન્ય એક ઘટનામાં વિજયનગર ચિત્રોડીના અને ભિલોડાના ધોલવાણી રહેતું દંપતી સારવાર લઈ પરત ફરતા સમયે ધોલવાણી ત્રણ રસ્તા નજીક રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ટક્કર મારતા દંપતીના શારીરે ઈજાઓ પહોંચતા સારવાર કારગત નીવડે તે પહેલા દંપતીએ દમ તોડી દેતા ભારે ચકચાર મચી હતી બંને હીટ એન્ડ રનની ઘટનાના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લાના લોકો માટે રવિવાર ગોજારો સાબિત થયો હતો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામના અને ભિલોડાના ધોલવાણી ગામે રહેતા લક્ષ્મણભાઇ ધુળાજી નિનામા બીમાર થતા તેમની પત્ની કંકુબેન સાથે ભિલોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા સારવાર કરી પરત ફરતા ધોલવાણી ત્રણ રસ્તા નજીક રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહને દંપતીને અડફેટે લેતા પતિ-પત્ની રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ દંપતીને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતીનું સારવાર દરમિયાન મોત નિપજતા ભિલોડા પોલીસે મૃતક દંપતીના મૃતદેહને પીએમ માટે ખસેડી વકસીભાઈ લાલજીભાઈ નિનામાની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા પતિ-પત્નીનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી

ધંબોલીયાં ગામના ગબ્બરસિંહ ચૌહાણ કામકાજ અર્થે બહાર ગામ ગયા હતા ઘરે પરત ફરતા સમયે શામળાજી નજીક આવેલા રૂદ્રેશ્વર મહાદેવ નજીક પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી રફુચક્કર થઇ જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા

અજાણ્યા વાહનની ટક્કરે ગબ્બરસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા અકસ્માતની ઘટનાની જાણ શામળાજી પોલીસને કરતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી અજાણ્યા વાહન ચાલાક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અકસ્માતના પગલે સરકારી દવાખાને મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.