ઝઘડિયા તાલુકામાં વાહન ચાલકોને આડેધડ દંડ ફટકારતા પોલીસ તંત્ર સામે બીટીએસની કુચ યોજાઈ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકા પોલીસ દ્વારા નાના-મોટા વાહનચાલકો સામે આડેધડ પોલીસ ફરિયાદો, આરટીઓ મેમા આપી કનડગત કરતા હોવાના આક્ષેપ સાથે ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેકટરને આપવામાં આવ્યું હતું અને સત્વરે તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.જો તેમ નહીં થાય તો ભિલીસ્થાન ટાઈગર સેના અને ભિલીસ્થાન ટ્રાઈબલ પાર્ટી દ્વારા આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
છેલ્લા એક માસથી ઝઘડીયા તાલુકાની ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા પોલિસ દ્વારા સ્ટેટ હાઈવે તથા ગ્રામીણ રસ્તા ઉપર નાના-મોટા વાહનચાલકોને સામે પોલીસ ફરિયાદો તેમજ આરટીઓના મેમા આપી કનડગત કરતા હોવાના આક્ષેપ સાથે ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર આજરોજ ઝઘડિયાના નાયબ કલેકટરને આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા ૨૦૨૦ ના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરી ટ્રાયબલ વિસ્તારમાં વાહન ચાલકોને હેરાન પરેશાન કરે છે
જેને ષડયંત્ર ગણાવ્યું હતું.ઝઘડીયા તાલુકા પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવિંગ,ગફલત ભરી રીતે ડ્રાઈવિંગ,અડચણરૂપ પાર્કિંગ,હેલ્મેટ વગર ડ્રાઈવિંગ,વાહનના દસ્તાવેજ સાથે નહી રાખવા વિગેરે બાબતોના બહાના હેઠળ હજારોનો દંડ ફટકારતા હોવાનુ જણાવ્યુ હતુ.આ એક ષડયંત્ર હોય તેમ જણાવી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરવા જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખાનગી વાહન ચાલકો અને રોજગારી માટે જતા યુવાનોને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
કોરોના કાળમાં ટ્રાયબલ વિસ્તારમાં લોકો જીવન જીવવાની કપળી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય મજબૂરીને વશ થઈ કોઈ ક્રાઈમ ન કરે જેનાથી વાતાવરણ ડહોળાઈ ના તેવી રજૂઆત આવેદનપત્ર આપી કરી હતી.મોટી મોટી દંડની રકમ ફટકારતા રકમ ભરવી કે પોતાના ઘરનો ચુલો સળગાવવો તે દંડાયેલ વાહનચાલકો માટે કપરી પરિસ્થિતિ ઊભી કરે છે.જો ઝઘડીયા તાલુકા પોલીસ દ્વારા વાહન ચાલકોને ખોટી રીતે દંડ કરવાનું બંધ કરવામાં નહીં આવે તો ભિલીસ્થાન ટાઈગર સેના તથા ભિલીસ્થાન ટ્રાઈબલ પાર્ટી દ્વારા આંદોલન, પ્રતિક ધરણાં કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા પોલીસ દ્વારા એક માસ માં ૧૫૦ જેટલી એફઆઈઆર તેમજ સેકડો આરટીઓ મેમા આપવામાં આવ્યા છે.જેનાથી ગામડે થી ઝઘડિયા,રાજપારડી, ઉમલ્લા જેવા વેપારી મથકે ખરીદી માટે આવતા લોકો બંધ થયા છે જેની સીધી અસર તાલુકાના વેપાર પર પડી છે.
નાયબ કલેકટરની ગાડી સામે ફરિયાદ થતી હોય તો કોન્ટ્રાક્ટર સામે કેમ નહીં.
સરદાર પ્રતિમા ને જોડતા મુલદ ચોકડી થી ઝઘડિયા રાજપારડી ઉમલ્લા થઈ કેવડીયા સુધી જતા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે તથા આ માર્ગ ઉપર મુલદ અને ગોવાલી પાસે આડેધડ મસમોટા ગતિ અવરોધક મુકી દેવામાં આવ્યા છે.ખરાબ રસ્તાને કારણે નાના મોટા ખાનગી-સરકારી વાહનો સાઈડ વાહન ચલાવવા મજબૂર બન્યા છે જેથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે.ઝઘડિયાના નાયબ કલેકટર ના વાહન દ્વારા અકસ્માત થયેલ તેના પર કાર્યવાહી થતી હોય તો છેલ્લા કેટલાક વર્ષોથી સરદાર પ્રતિમા ને જોડતા રોડના કોન્ટ્રાક્ટર દ્વારા અધુરી કામગીરી છોડી પલાયન થઈ જતાં હોય તો તેમની સામે બંધનાથ મક કાર્યવાહી તથા તેને બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે.
ઝઘડિયા તાલુકામાં પેસેન્જર વાહનો સામે કાર્યવાહી નહીં.
ઝઘડિયા તાલુકામાં ખાનગી વાહનોને આડેધડ દંડાઈ રહ્યા છે ત્યારે એવો પણ એક સૂર ઉઠવા પામ્યો છે કે ૨૦૨૦ ના મોટર વ્હીકલ એક્ટ નો અમલ અને તેની દંડાત્મક કાર્યવાહી ફક્ત મોટર સાયકલ ચાલકો, ટ્રક ચાલકો સામે જ કેમ ? ખાનગી પેસેન્જર વાહનો સામે કેમ નહીં? પોલીસ વિભાગ ભેદભાવ ની કામગીરી કરી રહી છે તેવો આક્રોશ જોવા મળી રહ્યો છે.