સોનાની ચેઈન પરત લેવા જતા વજન ઓછું નિકળ્યું
અમદાવાદ: શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજીબ ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને નાણાંની ભીડ ઊભી થતા તેણે પોતાની સોનાની ચેન ગીરવે મૂકીને વ્યાજે પૈસા લીધા હતા. આનું વ્યાજ પણ ચૂક્યું હતું. બાદમાં તે ચેન છોડાવવા ગયો ત્યારે તેને જે સોનાની ચેન મળી તે ઓછા વજન અને ઓછા ટચ વાળી મળતા યુવકે નાણા ધીરનાર અને જવેલર્સ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો નાણાભીડને કારણે પોતાની પાસે રહેલા સોનાના દાગીના ગીરવે મૂકીને લોન લેતા હોય છે. ત્યારે આ તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન છે. ગોમતીપુરમાં રહેતા મુકેશભાઈ ચાવલા છૂટક મજૂરી કામ કરે છે.
તેમને થોડા સમય પહેલા અલીફા શાન જવેલર્સમાંથી ૧.૪૦ લાખની સોનાની ચેન ખરીદી હતી. વર્ષ ૨૦૧૮માં તેઓને પૈસાની જરૂર ઉભી થતા તે સોનાની ચેન તેમણે અલ્પેશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિની નાણા ધીરધાર અને ભૈરવ જવેલર્સ શોપમાં એક લાખમાં ગીરવે મૂકી હતી. બાદમાં વર્ષ ૨૦૨૦માં તેઓ પોતાની સોનાની ચેન છોડાવવા ગયા હતા. તેમણે અલ્પેશને ૨.૫ ટકા વ્યાજ લેખે ૬૫ હજાર પણ ચૂકવી દીધા હતા.
જોકે, બાદમાં નાણા ભીડ રહેતા તેઓ આ ચેન લઈને પાછા અલીફા શાન દુકાનમાં ગયા હતા. જ્યાં આ ચેન બતાવતા દુકાનદારે જણાવ્યું કે તમે જે ૪૦ ગ્રામ ૩૯૦ મિલી વજનની ચેન ખરીદી હતી તે આ નથી. જેથી તેઓ સોના ચાંદીના માર્કેટમાં ગયા હતા,
જ્યાં આ ચેનનું વજન ૩૯ ગ્રામ ૯૯૦ મિલી જણાયું હતું. અને તેનું ટચ પણ ઓછું હતું. આ મામલે મુકેશભાઈએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાથી જાણ થઈ હતી. જે બાદમાં તેઓ અલ્પેશને ત્યાં ગયા હતા અને આ વાતની જાણ કરી હતી.