ચાર વર્ષની માસુમ બાળકી સાથે સંબંધીએ દુષ્કર્મ આચર્યું
હાથરસ: યુપીમાં હાથરસ ગેંગરપ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી એવામાં હાથરસમાં ફરી એક બળાત્કારની ઘટના સામે આવી છે. હાથરસમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાથરસના સાસની વિસ્તારમાં પરિવારના સભ્યોએ એક સંબંધી પર આરોપ લગાવ્યો છે કે તેણે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના હાથરસના સાસની વિસ્તારના એક ગામની છે. પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે ચાર વર્ષની માસૂમ બાળકી ગામના એક ઘરની બહાર રમી રહી હતી.
દરમિયાન એક યુવક બાળકીને તેના ઘરે લઈ ગયો હતો. આ પછી તેણે ઘરમાં માસૂમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકીએ ચીસો પાડતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ જોયું તો બાળકી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી જોવા મળી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે લોકોએ બાળકીના પરિવારજનોને જાણ કરી હતી. કઈંક અજગતું થયું હોઈ પરિવારના સભ્યો માસુમ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી પોલીસે બાળકીને મેડિકલ માટે મોકલી હતી.
સીઓ રૂચિ ગુપ્તાએ જણાવ્યું હતું કે સાસની વિસ્તારમાં એક ૪ વર્ષીય બાળકી પર તેના સબંધી દ્વારા કથિત રીતે બળાત્કાર કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, હાથરસમાં ગેંગરેપ કાંડના ૨૮ દિવસ બાદ સીબીઆઈ ફોરેન્સિક ટીમ સાથે મંગળવારે બૂલગઢી ગામ પહોંચી હતી. સીબીઆઈની ૧૫ સભ્યોની ટીમે ઘટનાસ્થળે ક્રાઈમ સીનનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગેંગરેપ પીડિતાના ભાઈને પણ ક્રાઈમ સીન પર લાવવામાં આવ્યા છે. અગાઉ સીબીઆઈએ હાથરસના મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ, હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ સાથે એસસી-એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી.