૧૦ લાખ નહીં આપે તો હોસ્પિટલ નહીં ચાલવા દઉં
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લુખ્ખાઓએ જાણે કે હવે હદ જ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ બાદ હવે ખંડણીના એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા ડૉકટર પાસે રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી છે. ડૉક્ટર તરફથી આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ડૉક્ટરની ફરિયાદ પ્રમાણે આરોપી કોણ છે અને શું કરે છે તેના વિશે તેમને કોઈ માહિતી નથી.
આ ઉપરાંત આરોપી સાથે તેમણે ભૂતકાળમાં પૈસાની કોઈ લેદીદેતી પણ કરી નથી. ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા પ્રકાશ પટેલ ગઇકાલે બપોરે તેમની હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન તેમનાં મોબાઈલ પર કરણ રબારી નામથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે, તે લોકોની બહુ પત્તર ફાડી છે.
તું મને ૧૦ લાખ રૂપિયા આપી દે. જોકે, ડૉકટરે ડર્યા વગર ફોન કરનાર વ્યક્તિે કહ્યું હતું કે, તારા જેવા મેં કેટલાય જોયા છે. હું પોલીસ ફરિયાદ કરીશ. ડૉક્ટરની આવી વાત બાદ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલી ધમકી આપી હતી કે, તું મને ૧૦ લાખ નહીં આપે તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેવી રીતે ચાલે છે. બાદમાં તેણે ફોન કાપી નાખ્યો હતો. આ મામલે ડૉક્ટરે તેનાં કમ્પાઉન્ડરને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે આ કરણ રબારી કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે
તેની તેમને કોઈ જાણ નથી. ઉપરાંત તેની સાથે પૈસાની કોઈ લેતીદેતી કરી હોવાનો ઇન્કાર કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં ખંડણી માંગવાના બે ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં વટવામાં એક વેપારી પાસે રૂપિયા ૫૦ લાખની ખંડણી તેમજ ઓઢવમાં પણ વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી.