ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ: મોદી સરકારની મોટી જીત
નવી દિલ્હી: રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પસાર કરવા માટે સદનમાં ૪ કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં સરકાર સફળ રહી હતી. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી પરંતુ તે રજૂઆત ૧૦૦ વિરુદ્ધ ૮૪ મતે નામંજૂર થઇ હતી.
બીજેડી સાંસદ પ્રસન્ના આચાર્યએ કહ્યું કે, અમારી પાર્ટી અને ઓરિસ્સામાં અમારી સરકાર મહિલા સશક્તિ કરણ માટે સતત કામ કરતી આવી છે. અમારી સરકારે મહિલાઓની બરોબરીનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. બીજેડી સાંસદે કહ્યું કે, અમારી પાર્ટી આ બિલને સમર્થન આપે ચે. પરંતુ બાકી વર્ગ અને ધર્મની મહિલાઓને સશક્ત બનાવવા માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ.
સપા સાંસદ જાવેદ અલી ખાને બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, દેશના ખ્યાતનામ લોકોએ પણ તેમની પત્નીઓને છોડી દીધી છે. તેમની પત્ની પણ વળતર મેળવવાને હકદાર છે કારણકે તે પત્નીનો દરજ્જો આજે પણ ધરાવે છે. શું આવા પતિઓને પત્નીનું વળતર અપાવવા માટે સરકાર કોઈ કાયદો લાવવાનું વિચારી રહી છે. બીડેપી તરફથી આ બિલ વિશે પહેલાં જે ચોગ્ગા-છક્કા લગાવી રહ્યા હતા તેઓ અંતે મી ટૂ આંદોલનમાં મેન ઓફ ધી મેચ નીકળ્યા હતા. મહિલાઓ સાથે અન્યાય માટે એક ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રૂપે સરકારને ૩ મહિનામાં રિપોર્ટ આપવાનો હતો. આજે તેનું શું થયું તેનો સરકાર પાસે પણ કોઈ જવાબ નથી.
જાવેદ અલીએ કહ્યું તલાકથી કઈ અવ્યવસ્થા સર્જાઈ જવાની છે? પલવ મેરેજ અને આંતર જાતીય લગ્નથી પણ સામાજિક અવ્યવસ્થા સર્જાય છે. તો શું તેના કારણે લવમેરેજને પણ ગુનાની શ્રેણીમાં મુકશો?
લગ્ન ઈસ્લામમાં સિવિલ કોન્ટ્રાક્ટ છે અને તેની વિશેષતા એ છે કે, તમે સહેમત ન હોવ તો તમે તેમાંથી બહાર પણ જઈ શકો છો. આ સંજોગોમાં તમે તેને ગુનાહિત પ્રવૃતિ કે કાયદાના દાયરામાં ન લાવી શકો.
આ બિલ ૨૫ જુલાઈએ લોકસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. લોકસભામાં બિલના પક્ષમાં ૩૦૩ અને વિરોધમાં ૮૨ મત પડ્યા હતા. ત્યારે કોંગ્રેસ, તૃણમૂલ, સપા અને ડીએમકે સહિત અન્ય પાર્ટીઓએ બિલનો વિરોધ કરીને વોટિંગ પહેલાં જ ગૃહમાંથી વોક આઉટ કરી લીધું હતું.
આ પહેલાં ૧૬મી લોકસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ ત્યારે બિલ રાજ્યસભામાં અટક્યું હતું. રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. તે સાથે જ સહયોગી પક્ષ જેડીયુએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ જ કારણથી ભાજપે દરેક સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે.