નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કીંગ : રૂા.૭૦ કરોડના ખર્ચ સામે માસિક રૂા.બે લાખની આવક
સી.જી. રોડના બિલ્ડીંગો બચાવવા પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ શાસક પક્ષ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી વિકાસના દાવા કરવામાં આવી રહયા છે. ર૦૦પ થી ર૦ર૦ દરમ્યાન વિકાસના અનેક કામ થયા છે તે બાબત પણ નકારી શકાય તેમ નથી. પરંતુ યોગ્ય આયોજનના અભાવે થયેલા કામોમાં પ્રજાના રૂપિયાનું આંધણ થઈ રહયું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા મલ્ટીલેવલ પાર્કીંગ તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કાંકરીયા વિસ્તારમાં રૂા.ર૦ કરોડના ખર્ચથી બનાવેલ મલ્ટીલેવલ પાર્કીંગમાં નિષ્ફળતા મળ્યા બાદ નવરંગપુરામાં જમીન બાંધકામની કિંમત સાથે અંદાજે રૂા.ર૦૦ કરોડનું આંધણ થયુ છે જેની સામે તંત્રને વાર્ષિક રૂા.રપ લાખની પણ આવક થતી નથી.
તથા મલ્ટીલેવલ પાર્કીંગમાં મ્યુનિ. કોર્પોરેશનના અલગ અલગ વિભાગોની ઓફીસ ખોલવાની ફરજ પડી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ રૂા.૭૦ કરોડના ખર્ચથી મલ્ટીલેવલ પાર્કીંગ બનાવવામાં આવ્યુ છે. જેમાં દુકાનો પણ તૈયાર કરવામાં આવી હતી જેનો મુળ આશય દુકાનોના વેચાણ કરી બાંધકામ ખર્ચ સરભર કરવાનો હતો.
પરંતુ યોગ્ય આયોજન વિના બનાવવામાં આવેલ પાર્કીંગ અને દુકાનો બંનેમાં તંત્રને નિષ્ફળતા મળી છે. દુકાનોના વેચાણ થયા ન હોવાથી તેમાં મ્યુનિ. કોર્પોરેશનના નગર વિકાસ ખાતાના બી.પી.એસ.પી. વિભાગ, ટાઉન પ્લાનીંગ ઓફીસરો, સીટી સેશન્સ વિભાગ, જનમાર્ગ લીમીટેડ, પશ્ચિમ ઝોન ટેક્ષ વેલ્યુએશન વિભાગ, ઈલેકશન વિભાગ, ટી.ડી.ઓ. મધ્યસ્થ કચેરી વગેરેને ઓફીસો ફાળવવામાં આવી છે. મલ્ટીલેવલ પાર્કીંગ માટે શ્રી રામ કોર્પોરેશન નામની સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. પરંતુ આર્થિક નુકશાન થવાના કારણે તેમણે પરવાનો દર કરવા જણાવ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશને શ્રી રામ કોર્પોરેશનની સીકયોરીટી ડીપોઝીટ જપ્ત કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી હતી જેમાં વાર્ષિક રૂા. ર૪ લાખ લાઈન્સ ફી ના ભાવ આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ સી.જી.રોડના વેપારીઓ તથા મ્યુનિ. માર્કેટની કિંમતી જમીન બચાવવા માટે શાસક પક્ષ અને વહીવટીતંત્ર દ્વારા નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ મલ્ટીલેવલ પાર્કીંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સ્થળે કોઈ મોટા બજારો ન હોવા છતાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યુ છે. ર૦૧૧-૧રમાં નામદાર હાઈકોર્ટના કડક વલણ બાદ સી.જી.રોડ પર પાર્કીંગના અને માર્જિનમાં થયેલા બાંધકામો તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીઓ નજીક હોવાથી તથા હાઈકોર્ટની ટીકાથી બચવા માટે ગુડા એક્ટ અંતર્ગત ઈમ્પેકટની જાહેરાત કરવામાં આવી હતી.
સદર એકટ અંતર્ગત તંત્ર દ્વારા સી.જી.રોડ ના વેપારીઓ પાસેથી જંત્રી મુજબ પાર્કીંગ ફી ઉઘરાવી લેવામાં આવી હતી પરંતુ તેની સામે પાર્કીંગ સવલત આપવામાં આવી ન હતી તે સમયે મ્યુનિસિપલ માર્કેટમાં પાર્કીંગ બનાવવા માટે વિચારણા થઈ હતી પરંતુ કિંમતી જમીન હોવાથી ભવિષ્યમાં વધુ ભાવ મળશે તેવી લાલસા હોવાથી નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ પાર્કીંગ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ હતું તથા તેનો અમલ કરી રૂા.૭૦ કરોડના ખર્ચથી મલ્ટીલેવલ પાર્કીંગ તૈયાર કરવામાં આવ્યું છે. જયારે જમીનની અંદાજિત કિંમત રૂા.૧૦૦ કરોડ હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ, રૂા.૧૭૦ કરોડના આંધણ તંત્રને વાર્ષિક રૂા. ર૪ લાખની રેવન્યુ થઈ રહી છે.
નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કીંગનો પુરતો ઉપયોગ થાય તે માટે મ્યુનિ. ભાજપ નેતા અમિતભાઈ શાહે બે વર્ષ અગાઉ પ્રયત્ન કર્યા હતા તથા સી.જી.રોડ ના વેપારીઓને વિનામૂલ્યે બસ સેવા આપવા જાહેરાત કરવામાં આવી હતી . બસનો પ્રયોગ સફળ થાય તેમ ન લાગતા બેટરી ઓપરેટેડ રીક્ષા પણ મુકવામાં આવી હતી તેમ છતાં નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કીંગમાં વાહનો આવતા નથી, કોન્ટ્રાકટરો નુકશાન કરી રહયા છે તેમજ મ્યુનિ. તિજાેરી પર સ્થાયી ખર્ચનો બોજ વધી રહયો છે.
નવરંગપુરા અને કાંકરીયા મલ્ટીલેવલની નિષ્ફળતા બાદ પણ તંત્ર દ્વારા પ્રહલાદનગર સિંધુ ભવન રોડ તથા ચાંદલોડીયા ખાતે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવવા જાહેરાત કરવામાં આવી હતી. પ્રજાના સદ્નસીબે આર્થિક ભીસના કારણે હાલ પુરતા આ જાહેરાત પર અલ્પ વિરામ મુકવામાં આવ્યુ છે. જયારે કાંકરીયા મલ્ટીલેવલ પાર્કીંગના ટેરેસ પર ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટ માટે જાહેરાત થઈ છે. જાણકારોનું માની એ તો જીડીસીઆર મુજબ ટેરેસ પર આ પ્રકારનો કોઈપણ પ્રકારનો ઉપયોગ થઈ શકે નહી.