વસ્ત્રાપુરમાં રહેતી મહીલાના પ્રેમી અને બહેનનું પતિ દ્વારા અપહરણ

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ: વસ્ત્રાપુરમાં એક મહીલા તેના પ્રેમી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી જાેકે બુધવારે રાત્રે તેનો પતિ સાગરીતો સાથે ત્રાટક્યો હતો અને હુમલો કરી મહીલાના પ્રેમી તથા તેની બહેનનું અપહરણ કરી લઈ જતાં ચકચાર મચી છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે મુળ રાજસ્થાનની મીના (કાલ્પનીક નામ)ના લગ્ન રામચંદ્ર અમરતલાલ (ડુંગરપુર, રાજસ્થાન) સાથે થયા હતા જાેકે લગ્નના ત્રણ વર્ષ દરમિયાન રામચંદ્ર શંકા કરી મીના ઉપર ત્રાસ ગુજારતો હતો જેના પગલે એક દિવસ મીના પોતાના પૂર્વ પ્રેમી કાંતીલાલ કલાસવા (ઉદયપુર, રાજસ્થાન) પાસે રહેવા જતી રહી હતી બાદમાં બંને વસ્ત્રાપુરમાં આવેલી એક સોસાયટીમાં ઓરડી ભાડે રાખી રહેતા હતા કેટલાંક દિવસો અગાઉ મીનાની બહેન પણ તેની સાથે રહેવા આવી હતી.
આ દરમિયાન બુધવારે રાત્રે મીનાનો પતિ રામચંદ્ર તેના સાગરીતો સાથે રૂમમાં ઘુસી આવીને કાંતીલાલ પર હુમલો કર્યો હતો અને મીના તથા તેની બહેન તેમને છોડાવવા વચ્ચે પડયા હતા. દરમિયાન બુમાબુમ થતાં રહીશો એકત્ર થતાં રામચંદ્ર તેના સાગરીતો સાથે કાંતીલાલ અને મીનાની બહેનનું અપહરણ કરી ગયો હતો. આ ઘટનાને પગલે જાણ કરવામાં આવતા તુરંત પોલીસ પહોચી ગઈ હતી અને અપહ્યુતને છોડાવવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અડધો કલાકમાં જ તેમને છોડાવી રામચંદ્ર સહીત ત્રણને ઝડપી લીધા હતા.