પૂર્વ CM મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ
લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સિંહ સિવાય તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટિ્વટર હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમસિંહ યાદવમાં કોરોનાનાં લક્ષણો નથી. જો કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની પત્ની સાધનાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે ઓગસ્ટની શરૂઆતમાં તબિયત લથડતા મુલાયમસિંહ યાદવને મેદાંતામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૦ વર્ષીય મુલાયમને મૂત્રાશયમાં ચેપની સમસ્યા આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થિતિ સુધરતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૬૦થી કરી હતી. વ્યવસાયે શિક્ષક એવા મુલાયમસિંહે ૧૯૬૭માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. મુલાયમસિંહ યાદવ કટોકટી દરમિયાન પણ ખૂબ સક્રિય રહ્યા હતા અને જેલમાં જતા વિપક્ષી નેતાઓમાં તેમનું નામ હતું. વર્ષ ૧૯૭૭ માં તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન બન્યા.
આ પછી, તેમણે યુપીમાં જનતા દળ અને લોકદળના વડા તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો અને ૧૯૮૯ માં પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૯૨માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને ૧૯૯૩ થી ૯૫ દરમિયાન બીજી વખત મુખ્યમંત્રીનો હવાલો સંભાળ્યો. મુલાયમસિંહ યાદવે કેન્દ્ર સરકારમાં પણ તેમની ભૂમિકા ભજવી હતી અને દેશના સંરક્ષણ પ્રધાન પણ હતા. વર્ષ ૨૦૦૩-૦૭ સુધી તેઓ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન હતા.