કેરળ સોનાની દાણચોરીમાં દાઉદની સંડોવણીના પુરાવા
કોચી: કેરળ સોનાની દાણચોરીના કેસમાં આતંકવાદી સંપર્કોની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે, માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગની રેકેટમાં ભૂમિકા હોઈ શકે છે. એજન્સીએ કહ્યું કે સોનાની દાણચોરીથી મળેલા નફાનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી કૃત્યોની સંભાવનાની ગુપ્ત માહિતી મળી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં તપાસ આગળ વધારવા માટે તમામ આરોપીઓને ૧૮૦ દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવા અત્યંત જરૂરી છે. એજન્સીએ તમામ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
એનઆઈએએ જણાવ્યું કે અટકાયત દરમિયાન આ કેસનો પાંચમા આરોપી રમીઝે ખુલાસો કર્યો છે કે તે તાંઝાનિયામાં હીરાનો ધંધો શરૂ કરવા જઇ રહ્યો હતો અને તે પછી તે તાંઝાનિયામાં ગોલ્ડ માઇનિંગ લાઇસન્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે તાંઝાનિયાથી સોનું લાવવાની અને યુએઈમાં વેચવાની પણ વાત કરી. એજન્સીએ દાઉદ ઇબ્રાહિમ પર યુએન સુરક્ષા પરિષદની મંજૂરી સમિતિ દ્વારા કરેલી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો છે. કેરળ સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. તે હજી જેલમાં રહેશે, કારણ કે સોનાની દાણચોરીને લગતા અન્ય કેસોમાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે.
એનઆઈએએ તેમની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમનો પણ ઉપયોગ કર્યો છે. અદાલતે ગયા સપ્તાહે સ્વપ્નાની જામીન અરજી પરનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવતી તપાસને લગતા કેસમાં તેમને જામીન પણ મળી ગયા છે. કસ્ટમ્સે ૬૦ દિવસના નિર્ધારિત સમયમાં અંતિમ અહેવાલ રજૂ કર્યો ન હતો, જેના કારણે તેને જામીન મળી ગયા હતા. રાજદ્વારી ચેનલો દ્વારા સોનાની દાણચોરીની તપાસમાં એનઆઈએ, ઇડી અને કસ્ટમ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ દ્વારા તિરુવનંતપુરમમાં ૫ જુલાઇએ રાજદ્વારી માલમાંથી આશરે ૧૪.૪૨ કરોડ રૂપિયાનું ૩૦ કિલો સોનું મળી આવતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.