પતિએ યુવતી પાસેથી લગ્ન બાદ લાખો રૂપિયા ખેંખર્યા
અમદાવાદ: અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતી આક્ષેપ કર્યો છે કે તેણીના આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ તેના પતિએ પૈસાની જરૂરિયાત ઊભી થઈ છે તેમ કહી તેની બધી વસ્તુઓ વેચાવી નાખી હતી. એટલું જ નહીં પતિ તેની જાણ બહાર રૂપિયાની લેતીદેતી કરતો હતો.
પોતાની સાથે ઠગાઇ થઈ હોવાનું જાણવા મળતા આ યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. યુવતીનો આક્ષેપ છે કે તેણે લગ્ન પહેલા પર્સનલ લોન લઇને તેના ભાવી પતિને બે લાખ રૂપિયા આપ્યા હતા. તેના પતિ માટે તેણે પોતાનું એક્ટિવા અને લેપટોપ પણ વેચી દીધું હતું. અમદાવાદના જોધપુર ખાતે રહેતી ૩૪ વર્ષીય યુવતીના પ્રથમ લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા હતા.
જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા સમાજની રૂએ તેણીએ લગ્નનાં ત્રણેક માસ બાદ છૂટાછેડા લીધા હતા. બાદમાં ૨૦૨૦ના વર્ષમાં કુબેરનગર ખાતે રહેતા એક યુવક સાથે બીજા લગ્ન કર્યાં હતા. આ યુવક સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા. આ યુવતી સેટેલાઇટ ખાતે એક સ્કૂલમાં વર્ષ ૨૦૦૪થી ૨૦૧૯ સુધી શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. વર્ષ ૨૦૧૯માં ફેસબુકના માધ્યમથી યુવતી એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં આ યુવક સાથે મિત્રતા બંધાઈ હતી. આ દરમિયાન યુવકે યુવતીને એવું જણાવ્યું હતું કે તેને તેની પત્ની સાથે મનમેળ નથી.
આથી તે તેની સાથે છૂટાછેડા લઈ લેશે. યુવતી યુવકને પ્રેમ કરતી હોવાથી તેને અવારનવાર આર્થિક મદદ પણ કરતી હતી. વર્ષ ૨૦૧૯માં યુવકે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી થયું છે એમ કહીને યુવતી પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા. યુવતીએ આ યુવકને મદદ કરવા પર્સનલ લોન લઈને તેને બે લાખ રૂપિયા આપ્યા હતા. આટલું જ નહીં વધુ પૈસાની જરૂર ઊભી થતા યુવતીએ પોતાનું એક્ટિવા અને લેપટોપ પણ વેચી દીધા હતા અને યુવકને મદદ કરી હતી. બાદમાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૯માં યુવક તેને ઘી કાંટા કોર્ટ લઇ ગયો હતો અને ત્યાં કાગળોમાં સહી કરાવી બાદમાં ‘તું મારી પત્ની છે’ તેમ કહી તેના ઘરે લઇ ગયો હતો.