દિનેશ કાર્તિકે અધવચ્ચેથી કેકેઆરનું નેતૃત્વ છોડી દીધું
દુબઈ: દિનેશ કાર્તિકે કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓયન મોર્ગન ટીમની જવાબદારી સંભાળશે. દિનેશ કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જણાવ્યું કે તે હવે બેટિંગ પર વધુ ફોકસ કરીને ટીમને મજબૂત કરવા માંગે છે. દિનેશ કાર્તિકે કેપ્ટન્સી છોડવાનો ર્નિણય મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા લીધો છે. આજે રાત્રે આઇપીએલમાં બીજી વાર મુંબઈ સામે કેકેઆરનો મુકાબલો થશે. કાર્તિકે કેપ્ટન્સી છોડવાના ર્નિણય વિશે કેકેઆરના સીઇઓ વેંકી મૈસૂરીને જાણકારી આપી. તેમણે કહ્યું કે આવો મોટો ર્નિણય લેવા માટે હિંમતની જરૂર હોય છે. તેઓએ કહ્યું કે, અમે દિનેશ કાર્તિકના ર્નિણયથી હેરાન છીએ.
પરંતુ અમે તેમના ર્નિણયનું સન્માન કરીએ છીએ. દિનેશ કાર્તિકે હંમેશા પહેલા ટીમ માટે વિચાર્યું છે. આઇપીએલની હાલની સીઝનમાં દિનેશ કાર્તિકનું પ્રદર્શન સારું નથી રહ્યું. આરસીબીની વિરુદ્ધની મેચમાં કાર્તિક માત્ર એક રન કરીને આઉટ થઈ ગયો હતો. અત્યાર સુધી તેણે ૭ ઇનિંગમાં માત્ર ૧૦૭ રન કર્યા છે. તેમાં માત્ર એક અડધી સદી સામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે હવે કેપ્ટન્સી છોડીને પોતાની બેટિંગ પર ફોકસ કરશે. હાલ રમાઈ રહેલી આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને અત્યાર સુધી ૭માંથી ૪ મેચમાં જીત મળી છે. હાલ કેકેઆર ૮ પોઇન્ટસની સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.