Western Times News

Gujarati News

૧.૫ કિમી સુધી સ્ટ્રેચરમાં લઇ જઇ મહિલાની ડિલિવરી કરાવી

જામનગર: જામનગરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને તેના સ્ટાફની કામગીરીની ખૂબ પ્રસંશા કરવામાં આવી રહી છે. ૧૦૮ની સેવાને કારણે અકસ્માત કે અન્ય ઇમરજન્સી કેસમાં લોકોનો જીવ બચી જતો હોય છે. ખાસ કરીને અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની ડિલિવરી કેસમાં ૧૦૮ની સેવા ખૂબ જ ઉપયોગી નિવડી છે. ૧૦૮ના સ્ટાફે રસ્તામાં, ખેતરો પર પહોંચીને, સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ડિલિવરી કરાવી હોવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. જામનગરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાને પ્રવસ પીડા ઉપડ્યાનો કોલ મળ્યા બાદ ૧૦૮નો સ્ટાફ પહોંચી ગયો હતો પરંતુ રસ્તામાં રેલવે ટ્રેક માલગાડી પડી હતી.

જે બાદમાં ૧૦૮નો સ્ટાફ એક સ્ટ્રેચરમાં મહિલાને દોઢ કિલોમીટર સુધી ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી લાવ્યો હતો અને મહિલાની ડિલિવરી કરાવી હતી. ગુરુવારે સાંજે ૪ઃ૩૦ વાગ્યાની આસપાસ કાનાલુસ રેલવેના પુલમાં કામ કરતા મજૂર સરલાબેન અર્જુનભાઈ ડામોર (ઉંમર વર્ષ ૨૧)ને અચાનક અધૂરા મહિને પ્રસવ પીડા ઉપડતા તેમના સગાએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને કોલ કર્યો હતો. આ કોલ ખાવડી લોકેશન ૧૦૮ને મળતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે, આ દરમિયાન સ્ટેશન પર માલગાડી હોવાથી એમ્બુલન્સ જઈ શકે તેમ ન હતી.

૧૦૮નો સ્ટાફ મહિલાથી આશરે ૧.૫ કિલોમીટર દૂર હતો. જે બાદમાં ૧૦૮ સ્ટાફ પાયલટ ધર્મેશભાઈ અને ઈએમટી રસીલાબાએ ર્નિણય કર્યો કે મહિલાને સ્ટ્રેચરમાં જ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી. જે બાદમાં તમામ લોકો સ્ટ્રેચરમાં જ ઊંચકીને મહિલાને લાવ્યાં હતાં અને રેલવેના પાટા ક્રોસ કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. જોકે, આ દરમિયાન મહિલાને પ્રસવ પીડા વધી જતાં રસ્તામાં જ એમ્બુલન્સ રોકીને ડિલિવરી કરાવી હતી. સ્ટાફના કહેવા પ્રમાણે અધૂરા મહિને થતી ડિલિવરી ઘણી જ મુશ્કેલ હતી.

૧૦૮ સ્ટાફ રસીલાબાએ તેમના ઉપરી અધિકારીના મદદથી મહિલાની ડિલિવરી કરાવી હતી અને માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાયો હતો. ડિલિવરી બાદ મહિલા અને બાળકને વધુ સારવાર અર્થે જામનગર જી. જી. હૉસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. મહિલાના સગા-સંબંધી તેમજ રેલવેના લોકોએ ૧૦૮ની કામગીરીને ખૂબ વખાણી હતી. સાથે જ ૧૦૮ના સ્ટાફનો આભાર પણ માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.