પહેલા રાઉન્ડમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી મુકાશે
નવી દિલ્હી, કોરોનાનો સામનો કરવા માટે ભારત સરકારે વ્યાપકપણે કોરોનાની રસી મુકવાના અભિયાનની તૈયારીઓ શરુ કરી દીધી છે.
પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા 30 કરોડ લોકોને રસી મુકાશે.જેમાં કોનો સમાવેશ થશે તેનુ લિસ્ટ હાલમાં તૈયાર થઈ રહ્યુ છે.આ 30 કરોડ લોકોમાં જેમને વધારે ખતરો છે તેવી વસતી, કોરોનાનો સામનો કરતા ફ્રન્ટ લાઈન વર્કર્સ જેવા કે હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલીસ, સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે.આ 30 કરોડ લોકોને વેક્સિનના 60 કરોડ ડોઝ અપાશે.
એક વખત કોરોનાની વેક્સિન એપ્રૂવ થઈ જાય તે પછી રસીકરણ શરુ કરી દેવાશે.હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં 70 લાખ, ફ્રન્ટ લાઈન વર્કર્સમાં બે કરોડ લોકો અને 50 વર્ષથી વધારે વયના 26 કરોડ લોકોનો સમાવેશ થાય છે.દેશની 23 ટકા વસ્તીને પહેલા રાઉન્ડમાં કોરોનાની રસી મુકવામાં આવશે.આ માટે કેન્દ્ર દ્વારા રાજ્યો પાસેથી પણ વિગતો મંગાવાઈ છે.
નિષ્ણાતોની કમિટીનુ અનુમાન છે કે, દેશમાં જે હેલ્થ વર્કર્સ છે તેમાં 11 લાખ એમબીબીએસ, 8 લાખ આર્યુવેદિક અને હોમિયોપેથિક ડોક્ટર અને 10 લાખ આશા વર્કર્સ સામેલ છે.45 લાખ પોલીસ, સેનાના 15 લાખ જવાનો તેમજ, ક્લીનર્સ અને ટીચર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. કેન્સર, કિડની, ડાયાબિટિઝ, હાર્ટ પેશન્ટ , લિવરની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓને પણ રસી માટે પ્રાથમિકતા અપાશે.