Western Times News

Gujarati News

રાત્રે સાઈકલિંગ કરવા નીકળેલી મહિલાનો મોબાઈલ ચોરાયો

Files Photo

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સવારે અને રાત્રે સાઇકલિંગ કરવાનું એક ચલણ થઈ ગયું છે. કેટલાક લોકો ફ્રેશ થવા તો કેટલાક લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સાઇકલિંગ કરવા જતા હોય છે. તાજેતરમાં જ મોર્નિંગ સાઇકલિંગ કરનારાઓની સાયકલ ચોરી કરતા ચોર બોપલમાં પકડાયા હતા. ત્યારે હવે સાઇકલિંગ કરવા જનારા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સાઇકલિંગ કરવા જનાર લોકો મોટા ભાગે બાસ્કેટ વાળી સાયકલમાં વસ્તુઓ મૂકીને નીકળતા હોય છે. પણ આ વસ્તુઓ સેફ રાખવી જરૂરી બન્યું છે. પંચવટી પાસે એક મહિલાને સાયકલના બાસ્કેટમાં મોબાઈલ અને પર્સ મુકવા ભારે પડ્યા હોવાની ઘટના બની છે. સેટેલાઈટમાં રહેતા ૨૫ વર્ષીય દેવાંશીબહેન શાહ પરિવાર સાથે રહે છે.

ગત તા. ૨૩ સપ્ટેમ્બર ના રોજ તેઓ રાત્રે નવેક વાગ્યે તેમના પતિ સાથે ઘરેથી વાહન લઈને નિકલ્યા હતા. બાદમાં તેઓ યુનિ. પાસે પહોંચ્યા હતા. બાદમાં બસસ્ટેન્ડ બાજુમાં આવેલા સાઇકલ સ્ટેન્ડ પરથી માય બાઇક એપ મારફતે ભાડે સાઇકલ લીધી હતી. આ સાઇકલ લઈને સીજી રોડ થઈને પરિમલ ગાર્ડન થઈને યુ ટર્ન લઈને તેઓ પરત જઈ રહ્યા હતા. ત્યારે ત્યાં એક શોપિંગ મોલની સામે પહોંચ્યા ત્યારે જ તેમની પાસે કાળા પલ્સર પર બે શખશો આવ્યા હતા. આ શખસોએ તેમને રોક્યા હતા જેથી દેવાંશીબહેને સાઇકલ રોકી ઉભા રહ્યા હતા. હજુ તેઓ કઈ સમજે ત્યાં જ સાઇકલમાં રાખેલા મોબાઈલ ફોન અને પર્સ તફડાવી આ શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

દેવાંશીબહેનએ બુમાબુમ કરી આગળ સાઇકલ લઈને જતા તેમના પતિને બોલાવ્યા હતા. બાદમાં તેઓએ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા એલિસબ્રિજ પોલીસે આવી પહોંચી હતી. જોકે તે દિવસે મોડું થઈ ગયું અને બાદમાં કામ આવી જતા દેવાંશીબહેને આ અંગે એલિસબ્રિજમાં મોડી ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે ચોરો હવે સવારે અને રાત્રે સાઇકલિંગ કરવા નીકળેલા શહેરી જનોને ટાર્ગેટ બનાવી ફરાર થતી હોવાની અનેક ફરિયાદ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.