બ્રેકઅપ થતાં યુવકે પૂર્વ પ્રેમિકા પર ખર્ચેલા પૈસા પાછા માગ્યા
અમદાવાદ: આજકાલના યુવાઓમાં પ્રેમ અને બ્રેકઅપ બંને જલ્દી થઈ જાય છે. પ્રેમ થવા પર શરૂઆતના દિવસોમાં બધુ સારું સારું લાગે છે, પરંતુ રિલેશનમાં તકરાર થવાનું શરૂ થતા જ વાત સીધી બ્રેકઅપ પર આવીને અટકે છે. ત્યારે મહેસાણાના એક યુવકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેણે બ્રેકઅપ બાદ પોતાની પૂર્વ પ્રેમિકા પર કરેલા ખર્ચ તથા આપેલા ગિફ્ટના પૈસા પાછા માગતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. આ યુવકની રિલેશનશીપ બે વર્ષ સુધી ચાલી હતી. જોકે યુવતી સાથે બ્રેકઅપ થયા બાદ તેણે ડેટ પર થયેલા ખર્ચાઓ તથા ગિફ્ટના ૫૦,૦૦૦ રૂપિયા પાછા માગ્યા હતા. જે બાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ખંડણી માગવાની ફરિયાદ નોંધાવી દીધી. હવે આ યુવકે પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
આ કેસ સુરતથી સંબંધિત છે. જેમાં ૨૭ વર્ષનો યુવક ૨૧ વર્ષની યુવતીને સોશિયલ મીડિયા પર મળ્યો હતો. બંને મૂળ મહેસાણા જિલ્લાના છે અને એક જ જ્ઞાતિમાંથી આવે છે પરંતુ હાલમાં સુરતમાં સેટલ થયેલા છે. બંનેની રિલેશનશીપ એપ્રિલ ૨૦૧૮માં શરૂ થઈ અને તે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ચાલી. જોકે યુવતીની કોલેજ પરીક્ષા હોવાના કારણે તે યુવકે જણાવેલા અમુક ચોક્કસ સમય પર તેને મળવા માટે ન જઈ શકતા બંનેના સંબંધોમાં ખટાશ આવવા લાગી. યુવકે ગુસ્સામાં તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા. આ વર્ષે માર્ચ મહિનામાં યુવતી જ્યારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી તો તેમના સંબંધમાં વધારે ખરાબ થઈ ગઈ.
યુવતીએ આરોપ લગાવ્યો કે, બ્રેકઅપ બાદ યુવક તેના પર ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું જણાવીને પૈસાની માગણી કરવા લાગ્યો. જ્યારે તેણે પોતે એક વિદ્યાર્થિની હોવાનું કહીને તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોવાનું જણાવ્યું તો યુવકે તેને ફોન પર ગાળો અને ધમકી આપવાનું શરૂ કરી દીધું. આ બાદ તેણે પૂર્વ પ્રેમીને બ્લોક કરી દીધો. થોડા દિવસો બાદ યુવતીને વધુ એક ધમકી ભર્યો મેસેજ આવે છે. જેમાં લખ્યું હતું કે જો તે પૈસા પાછા નહીં આપે તો તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવામાં આવશે. આ બાદ તેણે થોડા દિવસો માટે ફોન બંધ કરી દીધો. આ બાદ યુવકે ફરી તેનો સંપર્ક કર્યો અને ૬૦,૦૦૦ની માગણી કરવા લાગ્યો. યુવતીની ફરિયાદ બાદ હવે આ યુવક એડવોકેટ અન્વેશ વ્યાસ દ્વારા હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને પોતાના વિરુદ્ધના તમામ આરોપી ખોટા હોવાનું જણાવીને હ્લૈંઇ ઈરાદાપૂર્વક કરાઈ હોવાનું જણાવ્યું હતું.