અનંતનાગમાં સુરક્ષાદળોએ એક આંતકવાદીને ઠાર કર્યો
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે સવારે એક સંયુક્ત અભિયાન હાથ ધરાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગના લારૂ વિસ્તારમાં લશ્કર અને સ્થાનિક પોલીસ દ્વારા આ ઓપરેશન શરૂ કરાયું છે. સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અનંતનાગના આ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની લશ્કરને મળેલી માહિતીને આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સર્ચ દરમિયાન ગોળીબાર પણ થયો છે અને લશ્કરે વળતો ગોળીબાર કરતા એક આતંકવાદી ઠાર થયો છે. આતંકવાદી પાસેથી એક રાઈફલ પ્રાપ્ત કરી છે.
હાલમાં વધુ આતંકીઓની શોધખોળ માટે ઓપરેશન ચાલુ છે. અગાઉ મધ્ય કાશ્મીરના બડગામમાં શુક્રવારે નાકાબંધી અને સર્ચ કરવામાં આવતા સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્ત બાતમીને આધારે રાષ્ટ્રીય રાઈફલ્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ ઓપરેશન જૂથે સવારે બડગામના ચાડૂરામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા થોડા દિવસોથી કાશ્મીરમાં આતંકવાદીઓના સર્ચ ઓપરેશનમાં વધારો થયો છે. આતંકવાદીઓ દ્વારા શિયાળાની આડમાં બોર્ડર પાર કરીને ઘુસણખોરીનું પ્રમાણ પણ વધતું હોય છે.SSS