ચૂંટણી આવી.. સીંગલ ટેન્ડર લાવી
કોટ વિસ્તારમાં એકજ કામ ત્રણ કોન્ટ્રાક્ટરોને અપાશેઃ ભ્રષ્ટાચારનું નવું સ્વરૂપ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી નજીક આવતાં જ રોડ-રસ્તાના કામોમાં તેજી આવી છે. સાથે-સાથે કોન્ટ્રાક્ટરોને પણ ઘી-કેળાં થઈ રહ્યાં છે. ચાર-ચાર વર્ષ સુદી નિષ્ક્રિય રહેલા “પ્રજા સેવકો”ની મજબુરીનો ભરપૂર લાભ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ લઈ રહ્યાં છે. તથા બહુચર્ચીય “સિન્ડીકેટ”અને “સીંગલ ટેન્ડર” પ્રથા ખુલીને બહાર આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે મધ્ય ઝોનમાં એક જ કામ માટે બે ટેન્ડર જાહેર કરવામાં આવ્યાં છે તથા બંને સીંગલ ટેન્ડર અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યાં છે.
અમદાવાદ શહેરમાં ૨૦૧૭ની સાલમાં રોડ-રસ્તાના ધોવાણ બાદ “ડીફેક્ટ લાયેબીલીટી”ના કામ ન કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા હતાં. જેના પલે રોડ કામનાં કોન્ટ્રાક્ટરોએ સીન્ડીકેટ કરીને ઝોનની વહેંચણી કરી છે. જેની અસર કામની ગુણવત્તા અને મ્યુનિ.તિજાેરી ઉપર પણ થઈ રહી છે. જ્યારે કોન્ટ્રાક્ટરો અને કેટલાંક અધિકારીઓ ભરપૂર તેજીમાં આવી ગયા હોવાના ઉદાહરણ જાેવા મળી રહ્યાં છે. મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં હેવી પેચવર્ક અને રીસરફેસના કામને પાંચ ઓક્ટોબરે રોડ એન્ડ બિલ્ડિંગ કમીટી તથા ૦૯ ઓક્ટોબરે સ્ટેન્ડીંગ કમીટીએ મંજૂરી આપી છે.
આ કામ માટે એક માત્ર ટેન્ડર ભરનાર મારૂતિ ઈન્ફ્રા.ને રૂા.૭ કરોડ ૧૧ લાક ચૂકવવામાં આવશે. જ્યારે દરીયાપુર અને અસારવા વોર્ડમાં મીલીંગ કરી પેચવર્ક કરવા માટે એક માત્ર ટેન્ડર રોલર સેન્ટરને રૂા.૯૭.૧૮ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ જ કોન્ટ્રાક્ટરને મધ્ય ઝોનના અન્ય ત્રણ વોર્ડ શાહપુર, જમાલપુર અને ખાડીયામાં આ પ્રકારના કામ માટે રૂા.૯૭.૧૮ લાખ ચૂકવાશે. જાણકારોના મંતવ્ય મુજબ રોલર સેન્ટરના માલિક અન્ય ઝોનમાં “દિશા”ના નામથી કામ કરી રહ્યા છે. શાહીબાગ વોર્ડમાં મારૂતિ ઈન્ફ્રા.ને અંદાજીત કિંમત કરતા ૨૮.૪૦ ટકા વધુ ચૂકવવામાં આવ્યાં છે.
શાહીબાગ વોર્ડમાં જે હેવી પેચવર્ક અને રીસરફેસનું કામ કરવાનું છે તે જ પ્રકારના કામ માટે ઝોન ઈજનેર વિભાગ દ્વારા બીજા ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પણ સીંગલ ટેન્ડર આવ્યું હતું. પરંતુ પાર્ટી અલગ છે. મધ્ય ઝોનના ખાડીયા, જમાલપુર તથા શાહપુર વોર્ડમાં હેવી પેચવર્ક અને રીસરફેઈસના કામ માટે સીંગલ ટેન્ડર ભરનાર “રચના કન્સ્ટ્રક્શન”ને રૂા.૭.૧૧ કરોડનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. આજ કોન્ટ્રાક્ટરને આ જ ભાવથી દરીયાપુર તથા અસારવા વોર્ડના પણ કામ આપવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
નોંધનીય બાબત એ છે કે બંને ટેન્ડર અંદાજિત કિંમત કરતા ૨૯.૯૭ ટકા ઉંચા ભાવથી મંજૂર કરવામાં આવ્યાં છે. એક માત્ર વોર્ડ શાહીબાગ માટે જે રકમ ચૂકવવામાં આવ્યું છે. તેટલી રકમ બીજા ટેન્ડરમાં બે તથા ત્રણ વોર્ડના કામ માટે ચૂકવાશે. જ્યારે આ તમામ વોર્ડમાં મીલીંગ કરી પેચવર્ક કરવાના કામ રોલર સેન્ટરને આપવામાં આવ્યાં છે. મધ્ય ઝોનના ૦૬ વોર્ડમાં રોડ પેચવર્ક કરવા માટે અલગ-અલગ પાંચ ટેન્ડર જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સીંગલ ટેન્ડર આપ્યા છે. એક જ કામ અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને આપ્યા બાદ કામ તો કોઈ એક જ કંપની કરશે ? જ્યારે બાકીના કામ “ઓન પેપર” થશે અને પેમેન્ટ ચૂકવાશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મધ્ય ઝોનની માફક અન્ય ઝોનમાં પણ સીંગલ ટેન્ડર સીસ્ટમે જાેર પકડ્યું છે. ૧૯ ઓક્ટોબરે મળનાર રોડ-બીલ્ડિંગ કમીટી સમક્ષ શાહપુર વોર્ડમાં મેટરનીટી હોમ બનાવવા માટે એક માત્ર કોન્ટ્રાક્ટર દેવ ડેવલપર્સને ન્યાય આપવામાં આવ્યો છે. નવા વાડજમાં આંગણવાડી બનાવવા માટે ધ્રુવી બિલ્ડકોન પ્રા.લી., પૂર્વ ઝોનમાં માઈક્રો રીસરફેસીંગ માટે રચના કન્સ્ટ્રક્શન, દક્ષિણ-પશ્ચિમ ઝોનના જાેધપુર વોર્ડમાં ટી.પી.રોડ રીગ્રેડ કરી રીસરફેસ કરવા મારૂતિ ઈન્ફ્રાડીઝેશનને કામ આપવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ તમામ કામ “સીંગલ ટેન્ડર” સીસ્ટમથી મંજૂર થઈ રહ્યાં છે. ચૂંટણી નજીક આવી રહી હોવાથી સત્તાધારી પક્ષ મજબુર છે જેનો પૂરતો લાભ કોન્ટ્રાક્ટરો લઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.