નવરાત્રીમાં ખેલૈયાઓ માટે દાંડિયા બનાવતા મુસ્લિમ બિરાદરોની મુશ્કેલી
દુનિયાભરમાં પ્રખ્યાત ગોધરાનો દાંડિયા ઉદ્યોગ કોરોનાની ભેટે ચઢ્યો
(એજન્સી)ગોધરા, સમગ્ર દેશ અને દુનિયામાં ગોધરાના દાંડિયાની માંગ નવરાત્રિ દરમિયાન શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે નવરાત્રીમાં ગરબા ન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે તેની સીધી અસર દાંડિયા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે.
ગોધરામાં આવેલ ૨૦૦ ઉપરાંત દાંડિયા કારખાનેદારો દ્વારા તૈયાર કરવામાં આવેલ દાંડિયા હાલ તો માથે પડ્યા છે મહા મહેનતે તૈયાર કરવામાં આવેલ લાખોની કિંમતનો દાંડિયાનો જથ્થો રઝળી પડતા કારખાનેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સાથે કારખાનામાં કામ કરી રહેલ એક હજાર ઉપરાંત કારીગરોની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે.
દાંડિયાની નિકાસ ન હોવાના કારણે હાલ દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે ૫૦ ઉપરાંત કારખાનેદારોને કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે તો કેટલાક કારીગરો છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તો કેટલાક કારીગરો પાટલા વેલણ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ નાના ઉદ્યોગકારો માટે રાહત પેજેક ની સરકાર જાહેરાત કરે તેવી માંગ દાંડિયા કારખાનેદારો કરી રહ્યા છે
છેલ્લા ૮૦ વર્ષ કરતા પણ વધુ સમયથી ગોધરાના મુસ્લિમ કારીગરો દાંડિયાના વ્યવસાય સાથે જોડાયેલા છે મુસ્લિમ કારીગરોના હાથે કલાત્મક ડિઝાઇન અને અવનવા રંગો પીરસી તૈયાર કરવામાં આવતા દાંડિયા ની માંગ સમગ્ર ગુજરાત સહીત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માંગ જોવા મળતી હોય છે સાથે સાથે એશિયાના મોટાભાગના દેશો સહીત યુરોપ અમેરિકા જેવા દેશોમાં ગોધરાના દાંડિયાની માંગ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે જેના માટે કોંગ્રેસના નેતાઓના સૂર પણ આ કારીગરો માટે ઉઠયા છે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ રહી છે
ગોધરાના મુસ્લિમ બિરાદરભાઈઓ દ્વારા હિન્દુઓના આરાધ્ય પર્વ નવરાત્રીમાં ખેલ્યાઓ માટે દાંડિયા બનાવી હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જે ભારતની ગરિમામાં એકતાનો સહર્ષ પરિચય આપે છે.