અભિનેત્રી કંગના રનૌતનો ભાઈ નવેમ્બરમાં પરણશે
મુંબઈ: કંગના રનૌતના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. કંગનાના નાના ભાઈ અક્ષતના આવતા મહિને લગ્ન છે. લગ્નના પ્રસંગો આજથી શરૂ થઈ ગયા છે. હાલમાં જ કંગના રનૌતે પોતાના ભાઈના લગ્ન પહેલા થતી વિધિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કંગના રનૌતના ભાઈના લગ્ન પ્રસંગો મનાલીમાં શરૂ થઈ ગયા છે. કંગનાએ નાના ભાઈ અક્ષતને હલ્દી લગાવતો એક વિડીયો પોસ્ટ કર્યો છે.
વિડીયો શેર કરતાં કંગનાએ લખ્યું, આજે મારા ભાઈની બધાઈની રસમ યોજાઈ. બધાઈની રસમ હિમાચલની પરંપરા છે. જેમાં લગ્નનું પહેલું નિમંત્રણ મોસાળમાં આપવામાં આવે છે. અક્ષતના લગ્ન નવેમ્બરમાં છે અને આજથી સૌને આમંત્રણ પત્રિકા આપવામાં આવશે માટે જ આને બધાઈ કહેવાય છે. કંગના રનૌતે જણાવ્યું કે, આ રસમ તેના નાનાના ઘરે મંડીમાં યોજાઈ હતી. રિવાજ મુજબ, આ સેરેમનીનું આયોજન નાના-નાની કરે છે. વિડીયોમાં કંગનાના પરિવારની મહિલાઓ સાથે તેની બહેન રંગોલી ચંદેલ પણ જોવા મળે છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં હિમાચલના પારંપારિક ગીત પણ સંભળાય છે.
જણાવી દઈએ કે, આગામી ફિલ્મ ‘થલાઈવી’નું શૂટિંગ પૂરું કરીને કંગના હાલમાં જ પોતાના ઘરે મનાલી પહોંચી છે. કંગના ઉપરાંત તેની બહેન રંગોલી ચંદેલે પણ બધાઈ રસમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં રંગોલીનો દીકરો કંગનાના ખોળામાં બેઠેલો જોવા મળે છે. ભાઈની બધાઈ રસમ માટે કંગનાએ ગ્રીન રંગની સાડી પહેરી હતી. હેવી નેકલેસ અને ઈયરિંગ્સ સાથે કંગના સુંદર લાગતી હતી.