કોવિડ વિજય રથે મહામારી સામે લડવાની દિશામાં ઘણા અંશે સફળતા હાંસલ કરી છે : ડૉ ધીરજ કાકડિયા
        પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે 44 દિવસની કોવિડ વિજય રથની યાત્રા સફળતાપૂર્વક સંપન્ન
PIB Ahmedabad, કોવિડ વિજય રથે ગુજરાતની અવિરત 44 દિવસની યાત્રા સફ્ળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાતમાંથી કોરોના મહામારી (Corona Covid-19 Pandemic) સામે લડવામાં લોકોને સહાયભૂત થઈ ઘણા અંશે સફળતા હાંસલ કરી છે. આજે કોવિડ વિજય રથના સમાપન સમારોહનાં વેબિનારમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના Information & Broadcasting ગુજરાત એકમના વડા અને પી.આઈ.બીના PIB Gujarat અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ આ મુજબ જણાવ્યું હતું.
તેઓએ આ મહાન અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા જેમણે પણ નાનું-મોટું તેમજ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે તેવા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. “સાવચેતીને સંગ, જીતીશુ જંગ” આ ઉક્તિને ચરિતાર્થ કરવા, લોકો કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરે તે અર્થે જાગૃતતા લાવવા કલાકારોએ 44 દિવસ સતત પરિશ્રમ કર્યો છે.
ગુજરાતમાં 5 કોવિડ વિજય રથે લગભગ 12 હજાર કિ.મી.ની યાત્રા કરી 33 જિલ્લાના કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોને આવરી લીધા હતા. કોરોનામાં સામાજિક અંતરની જાળવણી જેવા તમામ નિયમોનુ પાલન કરીને કોવિડગ્રસ્ત વિસ્તારોમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓની કીટનું કલાકારો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. 440 જેટલા કલાકારોએ દરરોજના 60 કિલોમીટરની યાત્રા દરમિયાન એક અંદાજ મુજબ 11 લાખ લોકોનો પ્રત્યક્ષ સંપર્ક સાધ્યો હતો.
યુનિસેફના કોમ્યુનિકેશન અધિકારી શ્રી વિજય શંકરે કોવિડ વિજય રથના સમાપન સમારોહના વેબિનારમાં જણાવ્યું હતું કે, આ મહાન અભિયાનની સફળતા માટે અનેક લોકોના પ્રયત્નો રહ્યા હતા અને કોરોના મહામારી દરમિયાન પણ કલાકારોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ અભિયાનની યાત્રા પૂર્ણ કરી છે.
પોતાની કળાથી જાગૃતિની વાત પહોંચાડી કોરોના મહામારીનો ભય દૂર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડૉ. સોનલ પંડયાએ ડોર-ટુ-ડોર ડેમો કરીને કલાકારોએ કોવિડ વિજય રથની યાત્રા દરમિયાન જે સંદેશો પહોંચાડ્યો છે તે માટે તમામ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન પાસે-પાસે નહીં પણ સાથે-સાથે રહીને કામ કરવા સૂચન કર્યું હતું.
આર.ઓ.બી.ના ઈન્ચાર્જ ડાયરેક્ટર સરિતા દલાલે આજના વેબિનારમાં જણાવ્યું હતું કે, આટલા મોટા જન અભિયાન દરમિયાન પણ નિયમભંગની કોઈ ફરિયાદ સાંભળી નથી અને તમામ જગ્યાએ સ્થાનિક લોકોએ કલાકારોને આવકારી ઉમદા આદર્શોનું દર્શન કરાવ્યું છે. શ્રીમતી સરિતા દલાલે જન સેવાના આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઇ રહેલા તમામ કર્મચારીઓની સેવાનો સંતોષ પ્રાપ્ત થયો હોવાની વાત કરી હતી. કોવિડ વિજય રથની 44 દિવસની અવિરત યાત્રા દરમિયાન કલાકારો દ્વારા 1 લાખ આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક દવાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વેબિનાર દરમિયાન ગુજરાતના 5 કોવિડ વિજય રથની સફળતા પર યુનિટના અધિકારીઓએ પોત-પોતાના અનુભવો જણાવ્યા હતા. આ સાથે કલાકારો પણ પોતાની કળાથી કોરોના મહામારીના નિયમોનું પાલન કરીને સંદેશો પહોંચાડવામાં સફળ રહ્યા હતા.
