એક કિલો ડુંગળીનો ભાવ ૬૦ રૂપિયાએ પહોંચ્યો
અમદાવાદ: એક તરફ મહામારી અને બીજી તરફ મોંઘવારી એમ બેવડા માર વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. એક સમયે ડુંગળી ગરીબોની કસ્તૂરી ગણાતી હતી, પરંતુ હવે તે માત્ર અમીરો જ ખરીદી શકે તેવી સ્થિતિ થઈ ગઈ છે. આ સિવાય બટાકાના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે.
સામાન્ય રીતે શિયાળો જેમ નજીક આવે તેમ શાકભાજીના ભાવ ઘટી જાય છે પરંતુ આ વખતે એકદમ ઊંધી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાની જ વાત કરીએ તો, ડુંગળી અને બટાકાના ભાવમાં ૧૦૦ સુધીનો વધારો થયો છે. ૩૦ રૂપિયાના ભાવે મળતી એક કિલો ડુંગળી હાલ ૬૦થી ૭૦ રૂપિયાના ભાવે પહોંચી ગઈ છે.
જ્યારે ૨૦ રૂપિયા કિલોના બટાકા હાલ છૂટક બજારમાં ૪૦થી ૪૫ રૂપિયાના ભાવે મળી રહ્યા છે. દિવાળીનો તહેવાર નજીકમાં જ છે, ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. સિંગતેલના ભાવ પણ વધ્યા છે. શાકભાજી અને દાળ બાદ હવે ડુંગળી-બટાકાના રોકેટ ગતિએ વધેલા ભાવથી ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે, સાથે વેપારીઓને પણ ચિંતા સતાવી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે, કમોસમી વરસાદના કારણે ડુંગળીને નુકસાન થયું છે. ડુંગળીમાં થયેલા ભાવ વધારા માટે વરસાદને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ડુંગળી માટેના એશિયાના સૌથી મોટા બજાર લાસલગાંવની મંડીમાં પણ ડુંગળીની અછત સર્જાઈ જાય છે. ડુંગળીના હોલસેલના વેપારીઓનું કહેવું છે કે, હાલ અમદાવાદ સહિત તમામ સ્થળોએ ડુંગળીની તંગી વર્તાઈ રહી છે.
સપ્લાયમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના લીધે ભાવ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ભાવમાં હજુ ૧૦ રૂપિયા વધી શકે છે. આટલું જ નહીં ડિસેમ્બર સુધીમાં ડુંગળીનો ભાવ ફરીથી ૧૦૦ રૂપિયા કિલોએ પહોંચી શકે છે.
ડુંગળીના એક વેપારીએ કહ્યું કે, ડુંગળીના ભાવ હજુ થોડા સમય સુધી ટાઈટ રહેશે. એક તરફ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે નવો માલ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રારંભમાં આવવાનો શરુ થશે. ત્યાં સુધી ડુંગળી મોંઘી રહેવાની શક્યતા જણાય છે. હોલસેલ બજારમાં ૧૦૦ કિલો ડુંગળીની કિંમત ૬૫૦૦ રૂપિયા છે જ્યારે ૧૦૦ કિલો બટાકાના ૩૪૦૦ રૂપિયા થઈ ગયા છે.