પાંચ લાખથી વધુ દેશી વિદેશી ફૂલોની ફ્લાવર વેલી
નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરની સંભવિત મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતાદિનની ઉજવણી કરવા આવવાનાં છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે એક વિશાળ પ્લોટમાં આશરે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોનો ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાવર વેલી પ્રવાસીઓ માટે નવું નજરાણું બનશે. આ ફ્લાવર વેલી માટે બેંગલોર, કાશ્મીરથી માંડી વિદેશથી પણ જાતજાતના ફૂલો લાવાવામાં આવ્યાં છે.
જેને કાયમ માટે અહીં રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, મુંબઈ, બેંગલોર, અમદાવાદ અને લંડન તથા અમેરિકાના કેટલાક શહેરોમાં દર વર્ષે વિશાળ ફ્લાવર શો યોજવામાં આવે છે તેવો વિશાળ અને આકર્ષક ફ્લાવર શો પણ કેવડિયા ખાતે યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
૨૯મી ઓક્ટોબર એટલે કે, વડા પ્રધાન મોદીના આગમનના બે દિવસ પહેલાં આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. આપને જણાવી દઇએ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગામી ૨૭મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર એક સપ્તાહ સુધી બંધ રાખવામા આવશે. લૉકડાઉન પછી હાલ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. અને પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ખોલ્યાનાં પ્રથમ દિવસે જ અંદાજિત બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસને કારણે જે પ્રવાસી ઓનલાઇન ટિકિટ બુક કરાવે છે એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ મળે છે. ઓફ લાઈન ટીકીટ બુકીંગ સદંતર બંધ રખાયું છે. તેની સાથે આ બુધવાર ૨૧થી ૨ નવેમ્બર સુધી જંગલ સફારી અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પણ બંધ રાખવામાં આવે એવી શક્યતાઓ છે. ગત સિઝનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા.