ભારતીય સેનાએ લદાખથી પકડાયેલા સૈનિકને ચીનને પરત સોંપ્યો
બીજિંગ/નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદપર મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય સેનાએ ચીનના આગ્રહને માનતા મંગળવારે સરહદની પાસેથી પકડાયેલા ચીની સૈનિકને સકુશળ પરત સોંપી દીધો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ એક નિવેદન જાહેર કરી ભારતીય સેનાના સૈનિકને પરત સોંપવાનો આગ્રહ કર્યો હતો. ચીની સેનાનું કહેવું છે કે આ સૈનિક કેટલાક પશુપાલકોને રસ્તો બતાવવાના ચક્કરમાં પોતે જ ભૂલથી LAC પાર કરી ભારતીય સરહદમાં પ્રવેશ કરી ગયો હતો.
નોંધનીય છે કે, ભારતીય સેનાએ સોમવારે કહ્યું હતું કે તેણે PLAના એક સૈનિકને પૂર્વ લદાખના ડેમચોક સેક્ટરમાં સોમવારે ત્યારે પકડાયો, જ્યારે તે LAC પર ભટકતો જોવા મળ્યો હતો. ‘ગ્લોબલ ટાઇમ્સ’ મુજબ, બુધવાર સવારે આ સૈનિકને પરત સોંપી દેવામાં આવ્યો છે. ચીની સેનાએ ભારતીય સેનાને આ સકારાત્મક વ્યવહાર માટે આભાર વ્યક્ત કર્યો છે અહને મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે આ સારા સંકેત માન્યા છે. નોંધનીય છે કે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદથી બંને દેશોમાં તણાવ ચાલી રહ્યો છે અને ચીન-ભારતની વચ્ચે કમાન્ડર લેવલની આઠથી વધુ વાર વાતચીત થઈ ચૂકી છે