ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસે પાર્ટી છોડી એનસીપીમાં જાેડાશે
મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વખત હલચલ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ થશે. એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટિ પણ પક્ષ દ્વારા થઈ છે.
ભાજપે એકનાથ ખડસેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે ખડસે શુક્રવારે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે બે વાગ્યે ખડસે એનસીપીનું સભ્ય પદ મેળવી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી હતી. ઉદ્ધવ સરકારમાં ખડસેને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલમાં શિવસેના પાસે છે. ઉદ્ધવ ઠાકરે પણ ખડસેના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ભાજપમાં ખડસેને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાથી તે પક્ષ છોડશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. રવિવારે ખડસેએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત સામ આવી હતી પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ દાવાને ખોટો ગણાવ્યો હતો.
એનસીપીના નેતા શરદ પવારે પણ નિવેદન કરી જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને બેઠો કરવામાં ખડસેનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે હવે તેમને પાર્ટીએ હાંસિયામાં ધકેલી દીધા છે જે યોગ્ય નથી.