વડોદરામાં ૪ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ શાળા-કોલેજોમાં રજા જાહેર
વડોદરા: છેલ્લા ૨૪ કલાકથી ધીમીધારે ખેતી લાયક વરસી રહેલા મેઘરાજાએ શહેર-જિલ્લામાં જમાવટ કરી છે. શહેર-જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ વરસી રહ્યો હોવાનું સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષે જણાવ્યું હતું. આ દરમિયાન બપોર બાદ શહેરમાં આભ ફાટતાં બે થી ૪ વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં જ ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ત્યાર બાદ ૪થી ૬ વાગ્યા વચ્ચે વધુ ૪ ઈંચ વરસાદ થયો હતો. આમ શહેરમાં ૪ કલાકમાં જ ૧૦ ઈંચ વરસાદ પડતા શહેર જળબંબાકાર થયું હતું. તેમજ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ હતી. આ વરસાદને પગલે આવતીકાલે(૧ ઓગસ્ટે) ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ વડોદરા જતી ૪ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
શહેર જળબંબાકાર થતા અનેક સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ૧૫ વૃક્ષો ધરાશાયી થયા છે. હાલ જનજીવન પણ ખોરવાયું છે. હવામાન ખાતાએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને હટવા સૂચના આપી છે. જ્યારે અકોટા,વિશ્વામિત્રી, આજવારોડ, મચ્છીપીઠ, નાગરવાડા, સલાટવાડા કારેલીબાગ, ફતેગંજ વિસ્તારોના રહેવાસીઓને કામ વિના બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.