ડાકોર મંદિરમાંથી દાગીના ચોરનારો યુપીથી ઝડપાયો
ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં ૨૦ વર્ષ પહેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર મુખ્ય આરોપીની ડાકોર પોલીસે ધરપકડ કરી છે. મોબાઈલ લોકેશનને આધારે પોલીસે ઉત્તરપ્રદેશ જઈને આરોપીને તેના વતનથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ઉત્તરપ્રદેશથી પકડીને ડાકોર લાવવામાં આવ્યો છે.
મળેલી માહિતી પ્રમાણે, ૨૦ વર્ષ જૂના દાગીના ચોરીના કેસમાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. ૨૦ વર્ષ પહેલા પકડાયેલો આરોપી મંદિરમાં દાગીના અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ જુગારની લતમાં દેવું થઈ જતાં તેણે દાગીના ચોર્યા હતા. ૨૦ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજેન્દ્ર તિવારીને ડાકોર પોલીસે ઉત્તરપ્રદેશના જોનપુરથી પકડી પાડ્યો હતો.
રણછોડરાય મંદિરમાં દાગીના અધિકારી તરીકે કામ કરતા રાજેન્દ્રએ પ્રભુને અર્પણ કરેલા દાગીના જુગાર રમવા માટે ગીરવી મૂક્યા હતા. પરંતુ ગીરવે મૂકેલા દાગીનાને બદલે મળેલા રૂપિયા પણ તે જુગારમાં હારી ગયો હતો. લેણદારોની ઉઘરાણી અને જુગારમાં મળેલી રહેલી હારથી કંટાળીને તે ૨૦૦૧માં ડાકોર છોડીને નાસી ગયો
હતો.
જે બાદ મંદિરના મેનેજરે ૨૦૦૧માં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાજેન્દ્રએ કુલ ૪,૭૪,૭૩૮ રૂપિયાની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોર્યા હતા. ૨૦ વર્ષથી નાસતા ફરતા આરોપીની બાતમી ડાકોર પોલીસને મળતાં તેમણે એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના કરી હતી.
ટીમે બે દિવસ સુધી આરોપી પર વોચ રાખીને બાતમીની પુષ્ટિ કરી હતી અને બાદમાં તેના ગામમાંથી ઝડપી લેવાયો હતો. હાલ આરોપીને ડાકોર લઈ આવવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હવે પોલીસ તેની ઝીવણટભરી પૂછપરછ કરશે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, દાગીનાની ચોરી બાદ તત્કાલીન પોલીસે અડધાથી વધુના દાગીનાની રિકવરી એ વખતે જ કરી લીધી હતી. અગાઉ આ કેસમાં ૧૧ શખ્સોની ધરપરડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી ન પકડાતાં અને અમુક પુરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકાયા હતા. ત્યારે હવે મુખ્ય આરોપી રાજેન્દ્ર તિવારીની પૂછપરછ બાદ ગુનામાં તેની સાથે કોણ સંડોવાયેલું હતું તેની માહિતી બહાર આવશે.