સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા કહેતાં ટોળાએ સોલા પોલીસના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં મંગળવારે મધરાતે ચાંદલોડીયા બ્રીજ નજીક પોલીસ ઉપર હુમલાનો બનાવ બન્યો છે. કોન્સ્ટેબલે બે શખ્સોને સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું કહેતા તેમણે ટોળા સાથે લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે સુનીલસિંહ ચૌહાણ (૩૩) સોલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે મંગળવારે રાત્રે નાઈટ ડયુટી દરમિયાન સુનીલસિંહ ચા પીવા ગોવાથી ચાંદલોડીયા બ્રીજ નીચે આવેલા બ્રહ્માણી પાન પાર્લર ખાતે ગયા હતા જયાં બે શખ્સો નજીક ઉભા હોવાથી તેમણે સોશીયલ ડિસ્ટન્સ જાળવવાનું કહેતા બંને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા
દરમિયાન બ્રીજ તરફથી દસ માણસોનું ટોળુ લાકડીઓ લઈ આવી સુનીલસિંહ પર તુટી પડયું હતું જેને પગલે તેમને શરીર પર ઠેરઠેર ઈજાઓ થઈ હતી બાદમાં શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસ પણ આવી પહોચી હતી. ગંભીર રીતે ઘાયલ સુનીલસિંહે સોલા સિવિલ હોસ્પીટલના બિછાનેથી ટોળા વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી તરફ સિવિલ હોસ્પિટલ પહોંચેલી ખુદ સુનીલસિંહ પણ નશાની હાલતમાં મળી આવતા તેમના વિરુધ્ધ પણ પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.